પરમ પૂજ્ય સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિ નિમિત્તે સાવરકુંડલા ખાતે એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રા અને સમૂહ ભોજન જેવા ધાર્મિક કાર્યક્રમોની સાથેસાથે સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપીને એક વિશાળ થેલેસેમિયા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી આપતા સાગર મશરૂએ જણાવ્યું હતું કે, થેલેસેમિયા જેવી ગંભીર બીમારી સામે નાની સાવચેતી અને સમયસરનું નિદાન ખૂબ જ મોટું રક્ષણ પૂરું પાડે છે. "પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર" (સાવચેતી એ ઉપચાર કરતાં શ્રેષ્ઠ છે) ના સૂત્રને સાર્થક કરતા આ કેમ્પમાં ૧૦ થી ૩૫ વર્ષની વયજૂથના લોહાણા સમાજના બાળકો અને યુવાનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો છે અને ઓન-સ્પોટ રજીસ્ટ્રેશન કરાવીને આ સેવાકીય યજ્ઞમાં જોડાયા છે.
આ ભગીરથ કાર્ય લોહાણા મહા પરિષદ ઝોન ૪, લોહાણા મહા પરિષદ સાવરકુંડલા તાલુકા અને લોહાણા મહાજન ટ્રસ્ટ સાવરકુંડલાના સંયુક્ત સાથ-સહકારથી પાર પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત, રેડ ક્રોસ બ્લડ બેંક, ભાવનગરનો પણ વિશેષ સહયોગ સાંપડ્યો છે. સમાજ નિરોગી અને સ્વસ્થ રહે તેવા ઉમદા હેતુ સાથે યોજાયેલા આ સેવાયજ્ઞને સ્થાનિક લોકો તરફથી પણ ભારોભાર પ્રતિસાદ મળી રહ્યો છે.