અમરેલી જિલ્લાના જીરા ગામમાં પર્યાવરણ પ્રેમી ઉદ્યોગપતિની અનોખી પહેલ, બે વર્ષમાં 3,900 વૃક્ષો બન્યાં હરિયાળીના સાક્ષી, હવે તળાવની ફરતે વધુ 2,000થી 3,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ.
આજના સમયમાં વધતા પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણના અસંતુલન વચ્ચે વૃક્ષોનું મહત્ત્વ સતત વધી રહ્યું છે. ત્યારે માત્ર વાતો કરવાને બદલે પ્રકૃતિ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે અમરેલી જિલ્લાના જીરા ગામના વતની અને ઉદ્યોગપતિ પરેશભાઈ ડોબરિયાએ અનોખી પહેલ કરી છે. પોતાના વતન ગામને હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે તેમણે બે વર્ષ પહેલાં ગામમાં મોટા પાયે વૃક્ષારોપણનું કાર્ય હાથ ધર્યું હતું.
પરેશભાઈ ડોબરિયાએ જણાવ્યું હતું કે, "હું જીરા ગામનો વતની છું. આજથી બે વર્ષ પહેલાં મારા મનમાં વિચાર આવ્યો કે આપણા ગામને હરિયાળું બનાવવા માટે આપણે શું કરી શકીએ? પ્રકૃતિ પાસેથી આપણે ઘણું બધું મેળવીએ છીએ, પરંતુ પ્રકૃતિને પણ કંઈક પરત આપવું જોઈએ. આ ભાવના સાથે મેં આપણા ગામમાં વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ કર્યો હતો."
આ સંકલ્પને સાકાર કરવા માટે તેમણે ગામમાં અંદાજે 4,500 જેટલાં વૃક્ષોનું વાવેતર કરાવ્યું હતું. જોકે વૃક્ષારોપણ કરવું જેટલું જરૂરી છે, તેટલું જ જરૂરી તેનો ઉછેર કરવો પણ છે. શરૂઆતમાં વાવેલાં 4,500 વૃક્ષોમાંથી હાલમાં અંદાજે 3,900 વૃક્ષો સારી રીતે વિકસી રહ્યાં છે. કેટલાંક વૃક્ષો યોગ્ય ઉછેરના અભાવે અને કેટલાંક પશુઓ દ્વારા નુકસાન થવાના કારણે નષ્ટ થયાં છે.
પરંતુ આટલી મુશ્કેલીઓ છતાં પરેશભાઈ અને તેમની ટીમે હિંમત હારી નથી. હાલમાં વૃક્ષોને નિયમિત પાણી આપવામાં આવે છે તેમજ સમયાંતરે જરૂરી ખાતર નાખીને તેમની માવજત કરવામાં આવે છે. વૃક્ષો માત્ર વાવીને છોડી દેવાને બદલે પરિવારના સભ્યોની જેમ તેમની સંભાળ રાખવામાં આવે છે.
પરેશભાઈનો હરિયાળું જીરા બનાવવાનો સંકલ્પ અહીં અટકતો નથી. આગામી સમયમાં ગામનું તળાવ બનાવવાની પણ તેમની ઇચ્છા છે. જો તળાવનું નિર્માણ થાય તો તેની ફરતે વધુ 2,000થી 3,000 વૃક્ષો વાવવાનો તેમનો સંકલ્પ છે.
તેમની ભાવના છે કે આજે વાવેલાં આ વૃક્ષો આવનારી પેઢી માટે આશીર્વાદરૂપ બને. ગામમાં હરિયાળી વધે, પર્યાવરણ શુદ્ધ બને અને ભવિષ્યની પેઢીને સ્વચ્છ હવા તથા સુંદર કુદરતી વાતાવરણ મળે.
ખરેખર, પોતાના વતન માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતા પરેશભાઈ ડોબરિયાની આ પહેલ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે. કારણ કે વૃક્ષ વાવવું એ માત્ર એક દિવસનું કાર્ય નથી, પરંતુ આવનારી પેઢીને હરિયાળું ભવિષ્ય આપવાનો સંકલ્પ છે.