સામાન્ય રીતે પ્રકાશ અને ઉલ્લાસનો પર્વ દીપાવલી સૌ કોઈ પોતાના પરિવાર અને સ્વજનો સાથે ઘરમાં ઉજવતા હોય છે, પરંતુ તળાજાના નીલકંઠ ગુરુકુલમ્ ના વિદ્યાર્થીઓએ આ વર્ષે રાષ્ટ્રભાવના અને સામાજિક સમર્પણની અનોખી મિસાલ રજૂ કરી હતી.
કડકડતી ઠંડી, આકરી પરિસ્થિતિઓ અને કુદરતી આપત્તિઓની પરવા કર્યા વગર દેશની સરહદોનું રક્ષણ કરતા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા શાળા દ્વારા "વીર વંદના" કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
જે અંતર્ગત વિદ્યાર્થીઓએ સૈનિકોના ઘરે જઈને તેમના પરિવારજનો સાથે દીપોત્સવની લાગણીસભર ઉજવણી કરી હતી.ઘરે-ઘરે જઈ સ્નેહના દીવા પ્રગટાવ્યા હતા.
નીલકંઠ ગુરુકુલમ્ ના બાળકોએ સૈનિક પરિવારોના ઘરે રૂબરૂ જઈ તેમના માતા-પિતા અને વડીલોને મીઠાઈ તથા પોતાના સ્વહસ્તે તૈયાર કરેલા શુભેચ્છા કાર્ડ અર્પણ કર્યા હતા .
જે ફૌજી સીમા પર ડ્યૂટીમાં તૈનાત હતા તેને વિડીઓકોલ કરી સૌ બાળકો ભાવુક થયા હતા.
ફૌજીને માતાપિતાના ને પત્ર આપી તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા.
આ ભગીરથ રાષ્ટ્રકાર્યમાં વિદ્યાર્થીઓ સાથે શાળા પરિવારનો સમગ્ર સ્ટાફ પણ ઉત્સાહભેર જોડાયો હતો.તેમજ દેશ કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીરગતિ પ્રાપ્ત શહીદોના પરિવારોની પણ મુલાકાત લેવામાં આવી હતી.વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શહીદ જવાનના માતા-પિતા, પત્ની અને સંતાનોને મળીને ભાવપૂર્ણ સાંત્વના પાઠવી હતી તેમજ તેમની સર્વોચ્ચ શહાદતને નમન કરતો 'સાંત્વના બહાદુરી પત્ર' અર્પણ કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.આ ક્ષણે વાતાવરણ અત્યંત ભાવુક અને દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું.
નીલકંઠ ગુરુકુલમ્ ના ટ્રસ્ટીઓ ભરતસિંહ મોરી, વિપુલસિંહ પરમાર, બળદેવસિંહ ચુડાસમા અને યશપાલસિંહ વણારે જણાવ્યું હતું કે, "આજે આપણે આપણા ઘરોમાં પરિવાર સાથે સુરક્ષિત અને શાંતિપૂર્ણ રીતે દિવાળી સહિતના તહેવારો ઉજવી શકીએ છીએ, તેનું એકમાત્ર કારણ દેશના જાંબાઝ સૈનિકો છે જેઓ પોતાના પરિવારથી હજારો કિલોમીટર દૂર સરહદ પર અડીખમ ઊભા છે. આવનારી પેઢી આ બલિદાનનું મૂલ્ય સમજે, સૈનિક પરિવારોને પોતાનો જ પરિવાર ગણે અને બાળપણથી જ તેમનામાં રાષ્ટ્રપ્રેમના સંસ્કારોનું સિંચન થાય તે માટે જ આ 'વીર વંદના' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું."
નીલકંઠ ગુરુકુલમના આ અનોખા અને સંસ્કારપ્રેરક રાષ્ટ્રીય કાર્યક્રમ ની જેમ સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે. અને સંસ્થાને આસપાસના સામાજિક અગ્રણીઓ ,રાજનેતાઓ પુરા પંથકના લોકો અભિનંદન આપી રહિયા છે