સાવરકુંડલા શહેરના જૂના બસસ્ટેન્ડ રોડ પર અતિશય ઢાળ અને વધુ પડતા લીસા-સપાટ રસ્તાને કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઊભું થયું છે. આ માર્ગ પરથી પસાર થતા દ્વિચક્રી વાહનચાલકો અચાનક સ્લીપ થઈને પડી જવાના બનાવો વધી રહ્યા છે, તો ઘણીવાર ચાલતા જતા રાહદારીઓ પણ લપસી પડતા જોવા મળે છે.
આ વિસ્તારમાં આવેલી કીર્તિ ઓઇલ મિલના સંચાલકો હર્ષભાઈ રૂપારેલ અને શ્યામ રૂપારેલે જણાવ્યું હતું કે તેમની મિલના સીસીટીવી કેમેરામાં અનેક બાઇકચાલકો સ્લીપ થતા કેદ થયા છે. ચોમાસા દરમિયાન તો સ્થિતિ વધુ ગંભીર બને છે અને પોતે પણ લપસતા લપસતા માંડ બચ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. ખાસ કરીને જે બાઇકના ટાયર ઘસાઈ ગયેલા ('ટકો') હોય તેવા વાહનો લપસવાની શક્યતા વધુ રહે છે, ઉપરાંત ઢાળ અને લીસાપણાને કારણે વાહનને બ્રેક મારવી પણ મુશ્કેલ બને છે.
સ્થાનિક બુદ્ધિજીવીઓ અને નાગરિકોના મતે રસ્તા પર ચાલતા લપસી જવું એ રાહદારીઓ માટે વગર વાંકે દંડ સમાન છે. રસ્તાના નિર્માણ સમયે કોન્ટ્રેક્ટર દ્વારા યોગ્ય કાળજી ન રખાઈ હોવાનો આક્ષેપ ઊઠ્યો છે અને તંત્રની કામગીરી સામે પણ નારાજગી વ્યક્ત થઈ રહી છે. સાથોસાથ, કામગીરી ચાલતી હતી ત્યારે આસપાસના વિસ્તારના લોકોએ સમયસર અવાજ ન ઉઠાવ્યો તેમાં લોકજાગૃતિના અભાવની વાત પણ ચર્ચાઈ રહી છે.
અતિ લીસા અને ઢાળવાળા આ માર્ગ પર અકસ્માતનું જોખમ ટાળવા માટે તંત્ર તાત્કાલિક રક્ષાત્મક અને ઠોસ પગલાં ભરે તેવી પ્રબળ માંગ ઊઠી છે. ત્યાં સુધી બાઇકચાલકો અને રાહદારીઓએ આ રસ્તા પરથી પસાર થતી વખતે વિશેષ સાવચેતી રાખવી જરૂરી બની છે.