અમરેલીમાં એક વર્ષ દરમિયાન 800થી વધુ હૃદયરોગના કેસનો અનુભવ, દર અઠવાડિયે એકથી બે યુવાનો હાર્ટ એટેક સાથે સારવાર માટે આવે છે; તમાકુથી દૂર રહેવા, નિયમિત કસરત કરવા અને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ તથા કોલેસ્ટેરોલ નિયંત્રણમાં રાખવા તબીબની સલાહ
આજના આધુનિક યુગમાં બદલાતી જીવનશૈલી અને ખાણીપીણીની આદતોના કારણે અનેક પ્રકારની બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને હૃદયરોગ અને હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓ હવે માત્ર મોટી ઉંમરના લોકો પૂરતી સીમિત રહી નથી, પરંતુ યુવાનો પણ તેનો ભોગ બની રહ્યા છે. એક સમયે હાર્ટ એટેકને મોટી ઉંમરની બીમારી માનવામાં આવતી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં પણ હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ સ્થિતિ યુવાનો અને તેમના પરિવારજનો માટે ચિંતાનો વિષય બની છે.
અમરેલીની એમ્સ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડીએમ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. પલ્લવી મહાજને યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકના જોખમ અંગે મહત્વપૂર્ણ માહિતી આપતાં જીવનશૈલીમાં જરૂરી બદલાવ લાવવા ખાસ અપીલ કરી છે.
ડૉ. પલ્લવી મહાજને જણાવ્યું હતું કે, તેઓ કાર્ડિયોલોજી ક્ષેત્રમાં સાત વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. તેમણે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટમાંથી અભ્યાસ કર્યો છે અને છેલ્લા એક વર્ષથી અમરેલી જિલ્લામાં ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ તરીકે સેવાઓ આપી રહ્યાં છે. છેલ્લા એક વર્ષના અનુભવ દરમિયાન તેમની ટીમ દ્વારા 800થી વધુ કેસની સારવાર કરવામાં આવી છે. આ દરમિયાન ખાસ નોંધવા જેવી બાબત એ સામે આવી છે કે યુવાનોમાં હાર્ટ એટેકના કેસ પણ સતત જોવા મળી રહ્યા છે. અઠવાડિયામાં સરેરાશ એકથી બે યુવાનો હાર્ટ એટેકની સમસ્યા સાથે હોસ્પિટલમાં સારવાર માટે આવે છે.
40 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો પણ હાર્ટ એટેકનો ભોગ
ડૉ. પલ્લવી મહાજનના જણાવ્યા અનુસાર, છેલ્લા ચારથી પાંચ વર્ષમાં 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવવાની બાબત ચિંતાજનક બની છે. હાર્ટ એટેક પાછળનું એક મોટું કારણ આપણી બદલાયેલી જીવનશૈલી છે. આજના સમયમાં યુવાનો લાંબા સમય સુધી ઓફિસમાં, મોબાઇલ કે કમ્પ્યુટર સામે બેસીને કામ કરે છે. શારીરિક પ્રવૃત્તિ ઘટી રહી છે અને કસરત માટે પૂરતો સમય ફાળવવામાં આવતો નથી.
આ ઉપરાંત તમાકુનું સેવન, ધૂમ્રપાન, ઊંચું કોલેસ્ટેરોલ, અનિયંત્રિત બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા પરિબળો હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે. જો આ બાબતોનું સમયસર ધ્યાન રાખવામાં ન આવે તો નાની ઉંમરે પણ ગંભીર હૃદયરોગ થઈ શકે છે.
અમરેલીના 22 વર્ષના યુવકને આવ્યો મેસિવ હાર્ટ એટેક
યુવાનોમાં હાર્ટ એટેકના જોખમ અંગે વાત કરતાં ડૉ. પલ્લવી મહાજને એક ચોંકાવનારો અનુભવ પણ જણાવ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં તેમની પાસે આવેલા કેસમાં સૌથી નાની ઉંમરનો દર્દી અમરેલીનો 22 વર્ષનો યુવક હતો, જેને મેસિવ હાર્ટ એટેક આવ્યો હતો.
આ કિસ્સો એ બાબતની ગંભીરતા દર્શાવે છે કે માત્ર ઉંમર નાની હોવાના કારણે હાર્ટ એટેકનું જોખમ નથી એવું માનવું ખોટું છે. કોઈ પણ ઉંમરે હૃદયની સમસ્યા થઈ શકે છે. તેથી યુવાનોએ પણ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવું જોઈએ નહીં.
હાર્ટ એટેકનાં લક્ષણોને ક્યારેય અવગણશો નહીં
સામાન્ય રીતે લોકો એવું માને છે કે હાર્ટ એટેક આવે ત્યારે માત્ર છાતીમાં જ દુખાવો થાય છે, પરંતુ હકીકતમાં તેના લક્ષણો અલગ-અલગ હોઈ શકે છે. છાતીમાં દબાણ અનુભવવું, છાતીમાં દુખાવો થવો, શ્વાસ ચઢવો અથવા શરીરમાં અજુગતી લાગણી થવી જેવા લક્ષણો પણ હૃદયની સમસ્યાનો સંકેત હોઈ શકે છે.
કેટલાક કિસ્સાઓમાં દર્દીની સ્થિતિ ખૂબ જ ઝડપથી ગંભીર બની શકે છે. આવા સમયે સારવાર માટે મળતો સમય પણ ખૂબ મર્યાદિત હોઈ શકે છે. તેથી શરીરમાં કોઈ અસામાન્ય લક્ષણો જણાય તો તેને સામાન્ય સમજીને અવગણવા નહીં. તાત્કાલિક તબીબી મદદ લેવી જરૂરી છે. હાર્ટ એટેકની શંકા હોય તો ઇમરજન્સી સારવાર મેળવવી જોઈએ.
બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કોલેસ્ટેરોલની નિયમિત તપાસ કરાવો
ડૉ. પલ્લવી મહાજને લોકોને ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે, હાર્ટ એટેકથી બચવા માટે બીમારી થાય તેની રાહ જોવાને બદલે પહેલેથી જ સાવચેતી રાખવી જરૂરી છે. દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્ય સંબંધિત આંકડાઓ એટલે કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કોલેસ્ટેરોલ વિશે જાણકારી રાખવી જોઈએ.
તેમણે જણાવ્યું કે ડાયાબિટીસના દર્દીઓએ ત્રણ મહિનાનું સરેરાશ શુગર લેવલ દર્શાવતા HbA1cની તપાસ કરાવવી જોઈએ. સામાન્ય રીતે ઘણા દર્દીઓ માટે HbA1cનું લક્ષ્ય 7 ટકાથી નીચે રાખવાની સલાહ આપવામાં આવે છે, જોકે તે વ્યક્તિની તબીબી સ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.
તેવી જ રીતે બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રાખવું જરૂરી છે. ડૉક્ટરની સલાહ મુજબ નિયમિત બીપી ચેક કરાવવું જોઈએ. સામાન્ય રીતે 140/90થી નીચેનું બ્લડ પ્રેશર રાખવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ દરેક વ્યક્તિ માટે યોગ્ય લક્ષ્ય અલગ હોઈ શકે છે.
આ ઉપરાંત બેડ કોલેસ્ટેરોલ એટલે કે LDL કોલેસ્ટેરોલની તપાસ પણ નિયમિત કરાવવી જોઈએ. જરૂરિયાત પ્રમાણે છ મહિને અથવા વર્ષે એક વખત તપાસ કરાવવાથી હૃદયરોગના જોખમ અંગે સમયસર જાણકારી મળી શકે છે.
ખાણીપીણીમાં બદલાવ અને તમાકુથી સંપૂર્ણ અંતર રાખો
હૃદયને સ્વસ્થ રાખવા માટે ખાણીપીણીની આદતોમાં સુધારો કરવો ખૂબ જ જરૂરી છે. યુવાનોએ વધુ પડતા તળેલા, ચરબીયુક્ત અને પેકેટમાં મળતા પ્રોસેસ્ડ ખોરાકનું સેવન ઘટાડવું જોઈએ. તેના બદલે પૌષ્ટિક અને સંતુલિત આહાર લેવો જોઈએ. રોજિંદા ભોજનમાં શાકભાજી, ફળો અને પૌષ્ટિક ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.
ડૉ. પલ્લવી મહાજને ખાસ ભાર મૂક્યો હતો કે તમાકુ અને ધૂમ્રપાનથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ. તમાકુનું સેવન ઓછા પ્રમાણમાં કરવામાં આવે કે વધુ પ્રમાણમાં, તે કોઈ પણ રીતે સુરક્ષિત નથી. યુવાનોએ વ્યસનથી દૂર રહીને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ.
દરરોજ 30થી 60 મિનિટ કસરત અને 7થી 8 કલાકની ઊંઘ જરૂરી
હૃદયને સ્વસ્થ રાખવા માટે માત્ર ખાણીપીણીમાં સુધારો કરવો પૂરતો નથી, પરંતુ નિયમિત શારીરિક પ્રવૃત્તિ પણ એટલી જ જરૂરી છે. ડૉ. પલ્લવી મહાજને દરરોજ 30થી 60 મિનિટ સુધી કસરત કરવાની સલાહ આપી છે. જેમાં સાઇકલિંગ, યોગ, દોડવું, ચાલવું અને સ્વિમિંગ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરી શકાય છે.
આ ઉપરાંત શરીરને પૂરતો આરામ મળે તે પણ જરૂરી છે. દરેક વ્યક્તિએ દરરોજ 7થી 8 કલાકની પૂરતી ઊંઘ લેવી જોઈએ. ઊંઘનો અભાવ અને અનિયમિત દિનચર્યા પણ સ્વાસ્થ્યને અસર કરી શકે છે.
ડૉક્ટરનો યુવાનોને ખાસ સંદેશ
ડૉ. પલ્લવી મહાજને અંતમાં જણાવ્યું હતું કે, યુવાનોએ પોતાની નાની ઉંમરને કારણે હૃદયરોગનું જોખમ નથી એવું માનવું જોઈએ નહીં. હૃદય આપણા શરીરનું અત્યંત મહત્વનું અંગ છે અને તેની કાળજી રાખવી દરેક વ્યક્તિની જવાબદારી છે.
તેમણે લોકોને સંદેશ આપતાં જણાવ્યું કે, તમારા હૃદયને પ્રેમ કરો, સ્વસ્થ ખાઓ, તમાકુ અને ધૂમ્રપાનથી દૂર રહો, નિયમિત કસરત કરો, પૂરતી ઊંઘ લો અને તમારા સ્વાસ્થ્યની નિયમિત તપાસ કરાવતા રહો. કોઈ પણ અસામાન્ય લક્ષણ જણાય તો નજીકના ફિઝિશિયન અથવા કાર્ડિયોલોજિસ્ટનો સંપર્ક કરો.
હાર્ટ એટેકથી બચવા માટે જાગૃતિ અને જીવનશૈલીમાં સુધારો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડૉ. પલ્લવી મહાજનનું વિઝન પણ આ જ સંદેશ આપે છે કે 'હેલ્ધી હાર્ટ, હેલ્ધી નેશન, હેલ્ધી ફેમિલી' એટલે કે સ્વસ્થ હૃદય હશે તો સ્વસ્થ પરિવાર અને સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ થઈ શકશે.