તા: ૨૧/૧૧/૨૦૨૬ ના રોજ આઈ.ટી.આઈ. તળાજા ખાતે કૌશલ્ય દીક્ષાંત સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત ઇલેક્ટ્રિશિયન, કોપા, પ્લમ્બર, વેલ્ડર, ફિટર અને મિકેનિક ડીઝલ એમ કુલ છ ટ્રેડમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર તાલીમાર્થીઓને મહાનુભાવોના હસ્તે મેડલ તથા પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મહેમાનશ્રીઓમાં સરકારી વિનિયન કોલેજનાં પ્રિન્સિપાલ સુ.શ્રી મનિષાબેન શાહ, જય ઓટો એજન્સી- તળાજાના શ્રી નેતલભાઈ શાહ તેમજ આઈ.ટી.આઈ.ના બે ભૂતપૂર્વ તાલીમાર્થીઓ કિલાવટ બ્રિજેશભાઇ અને બરાળ રાજુભાઇ ઉપસ્થિત રહ્યા હતા અને આઈ.ટી.આઈ. તળાજાના આચાર્યશ્રી દ્વારા મહેમાનશ્રીઓનું સ્વાગત કરવામાં આવ્યં હતું.
ઉપસ્થિત મહાનુભાવોએ તાલીમાર્થીઓને અભિનંદન પાઠવીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. સાથે જ આજના સ્પર્ધાત્મક યુગમાં ઔદ્યોગિક અને વ્યવસાયિક કૌશલ્યોનું મહત્વ સમજાવીને તાલીમાર્થીઓને પોતાના કૌશલ્યમાં સતત વધારો કરવા તથા સ્વરોજગાર અને રોજગારીની તકોનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તાલીમાર્થીઓમાં કૌશલ્ય વિકાસ પ્રત્યે ઉત્સાહ વધારવો, તેમની સિદ્ધિઓને પ્રોત્સાહન આપવું અને વ્યવસાયલક્ષી શિક્ષણનું મહત્વ ઉજાગર કરવાનો હતો.
સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.