સાવરકુંડલા શહેરમાં આવેલ જલારામ મંદિરે ભક્તિ અને ભાવનાનો મહિસાગર ઉમટ્યો હતો. "ટુકડો ત્યાં હરિ ઢુકડો" ના સંદેશને સમગ્ર વિશ્વમાં પ્રસરાવી, જલારામ જ્યોતનો અનોખો પ્રકાશ ફેલાવતા પૂજ્ય જલારામ બાપાના ૨૨૭માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે પરમ પૂજ્ય જલારામ મંદિરે ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. આજરોજ પૂ. બાપાના મંદિરે વિવિધ ધાર્મિક વિધિ સાથે પૂ. જલારામ બાપાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે રીતસરની હોડ જામી હતી.
પ્રાતઃકાળે પૂ. જલારામ બાપાની પ્રતિમા સમક્ષ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પૂજન-અર્ચન આરતી જેવા ધાર્મિક વિધિઓ કરવામાં આવેલ. આ પર્વ નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો પર પૂ. જલારામ બાપાની પ્રતિમા સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે આરતી દર્શન તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે તમામ જલારામ ભક્તોએ ખૂબ જ હોંશે આ પાવન પર્વની હર્ષ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી.
આ પર્વની ખાસ નોંધનીય બાબત એ રહી કે, સમગ્ર રઘુવંશી સમાજના લોકો માટે શ્રી લોહાણા મહાજન વાડી ખાતે બપોર અને રાત્રી એમ બંને સમય માટે ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી લોહાણા મહાજન ટ્રસ્ટ સાવરકુંડલા અને તેની સહયોગી સંસ્થાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.