પ્રધાનમંત્રી આવાસ યોજના : ગરીબ, વંચિત અને ઘર વિહોણા પરિવારનું ઘરનાં ઘરનું સપનું સાકાર થઈ રહ્યું છે
ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વસતા ગરીબ, વંચિત અને ઘર વિહોણા પરિવારનું ઘરનાં ઘરનું સપનું સાકાર કરવાનું કાર્ય ભારત સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના મારફતે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કાચા મકાનમાં રહેતા અને ઘર વિહોણા પરિવારોને મકાન માટે સહાયનો લાભ આપવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ‘હાઉસિંગ ફોર ઓલ‘ના ઉદ્દેશથી શરુ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ અન્વયે ગ્રામ્ય વિસ્તારના ઘર વિહોણા તથા કાચા આવાસ ધરાવતા કુટુંબોને આર્થિક સહાય મળવાપાત્ર છે. જેમાં યોજનાની પાત્રતા SECC –૨૦૧૧ના અને આવાસ પ્લસના આધારે નકકી કરવામાં આવે છે.
વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. યોજનાકીય સહાય લાભથી વંચિત હોય તેવા લાભાર્થીઓને “આપણો સંકલ્પ-વિકસિત ભારત” અંતર્ગત વિવિધ યોજનાકીય સહાયનો લાભ મળી રહે તે માટે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. લાભાર્થીઓને વધુમાં વધુ લાભ મળી રહે અને તેમના જીવનધોરણમાં હકારાત્મક પરિવર્તન આવે, તેમની આર્થિક અને સામાજિક ઉન્નતિ થાય તેવા હેતુ સાથે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ શરુ છે. તાજેતરમાં જિલ્લાના સાંસદ શ્રી નારણભાઈ કાછડિયાના અધ્યક્ષ સ્થાને સાવરકુંડલાના બાઢડા પ્રાથમિક શાળા ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયો હતો.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં સાવરકુંડલાના બાઢડા ગામના વતની શ્રી વિમળાબેન ડોડીયાએ ‘મેરી કહાની-મેરી જુબાની’ અંતર્ગત પોતાના અનુભવો જણાવ્યા હતા. શ્રી વિમળાબેનનો પરિવાર ભાડાના મકાનમાં રહેતા હતા. તેઓની આર્થિક સ્થિતિ એટલી સદ્ધર નહોતી કે તેઓ પોતાનાં સપનાનું પોતાનું ઘરનું ઘર બનાવી શકે. તેઓએ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અન્વયે મકાન માટે અરજી કરી અને તેમને આ યોજનાનો લાભ મળતાં તેમનાં પરિવારનું ઘરના ઘરનું સપનું સાકાર થયું છે. તેઓએ પોતાના અનુભવો જણાવતા કહ્યું કે, સરકાર અમારા જેવા અનેક ગરીબ અને વંચિત પરિવારોની મદદ કરી રહી છે, અમારાં સપનાઓ સાકાર થઈ રહ્યા છે. શ્રી વિમળાબેન ડોડીયાએ આ માટે ભારત સરકાર અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભારત સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના એ માનવ જીવનમાં પરિવર્તન લાવી ઉન્નતિના દ્વાર ખોલનારી બની છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ગરીબ અને વંચિત પરિવારના ઘરનાં ઘર નિર્માણ થતાં અનેક ચહેરા પર સ્મિત આવ્યા છે. હાઉસિંગ ફોર ઓલ લક્ષ્યાંક અન્વયે અનેક પાકાં મકાનોનું નિર્માણ થઈ રહ્યું છે.
Recent Comments