fbpx
અમરેલી

મકરસંક્રાંતિ અને ઉતરાયણ પર્વ એટલે નવા ઉન્મેષ અને ઉત્સાહ સાથે સૂર્ય ઊર્જાને નતમસ્તક પ્રણામ કરલાનો વિશ્ર્વનો અનૂઠો ઉત્સવ

સંક્રાંત કાળે વિશ્રામ અને વિધાન છે દાન પૂણ્ય કેરા, સંભવતઃ એટલે જ પસંદ  નિર્વાણ કાળ કરે પિતામહ ભીષ્મ એ પળે, કર્મના એ સિધ્ધાંતને હવે વાગોળ્યા કરવું એ જ મહાભિનિષ્ક્રમણ છે મનુષ્યત્વ કેરું.—“પાંધી સર”

ખૂબ જ સરળ અને સાલસ શબ્દ છે આ “ઉત્તરાયણ” આમ સૂર્યનું ઉત્તરમાં પ્રયાણ આ દિવસને હિંદુશાસ્ત્રનો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. કદાચ એટલે જ મહાભારત કાળમાં જેને ઈચ્છામૃત્યુનું વરદાન હોવા છતાં પિતામહ ભીષ્મ પણ પોતાના ચારણીની જેમ ચળાયેલા  અંગોમાંથી નિકળતી એ રકતધારાઓને કુરુક્ષેત્રની એ શોણિત ધરા પર વહેવડાવતાં એ અદમ્ય વેદનાને સહન કરીને મૃત્યુ માટે એ મકરસંક્રાંતિ કે ઉત્તરાયણનાં આ પાવન પર્વની રાહ જોતાં હતાં. સીધા શબ્દોમાં કહીએ તો સૂર્ય જ્યારે મકરરાશીમાં પ્રવેશ કરે છે એ સમય કે વેળાને મકરસંક્રાંતિ કહે છે. આમ તો આ પર્વ દાન પુણ્ય અને સેવા પૂજાનો ગણવામાં આવે છે. આ દિવસે મોટાભાગના લોકો ગાયને ઘાસચારો આપવા માટે તૈયાર રહે છે.  ગરીબોને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ આપી અને પોતાને પુણ્યશાળી સમજવા નો પ્રયત્ન કરે છે. 

 જો કે ગુજરાતમાં તો આ પર્વ પતંગોત્સવ તરીકે ઊજવાતું હોવાથી શહેરીજનો કે ગ્રામ્યવાસીઓ આબાલ વૃધ્ધ સમેત આકાશમાં પતંગો ઉડાવી અને તહેવારનો આનંદ માણતાં જોવા મળે છે. ક્યારેક લાલ તો ક્યારેક પીળી કે ગુલાબી સપ્તરંગી પતંગો ઊંચે આભની અટારીને સ્પર્શવા મથતાં જણાય છે. સાંપ્રત સમયમાં તો પતંગોને પેચ લડાવી અને કાપવાનો પણ ટ્રેન્ડ પ્રચલિત  છે.. હા, આ પતંગોત્સવે લોકહ્ર્દયમાં એવું તો સ્થાન જમાવ્યું છે કે આ આ પર્વની લોકો ચાતક નયને રાહ જુએ છે. અને આપણી હિંદી, ગુજરાતી કે પ્રાદેશિક ફિલ્મો અને સાહિત્ય જગતમાં પણ અદકેરૂં સ્થાન પ્રાપ્ત કરેલ છે. “ચલી ચલી રે પતંગ મેરી ચલી રે અને કટિપતંગ જેવાં લોકપ્રિય ગીતો એ પણ લોકજનમાં અનેરૂં સ્થાન મેળવ્યું છે. લોકરંજન અને લોકભોગ્ય આ પર્વ ખરેખર શરીર અને મનને શાંતિ અને સ્ફુર્તિ આપનારું છે. હા, આ પર્વમાં ગોળ ધાણી, મમરા અને તલનાં લાડું અને સાથે શેરડીના ચૂસકારા પણ એક અનોખો સ્વાદ  પ્રદાન કરે છે..

મોટાભાગના લોકો આખો દિવસ ઘરની છતો પર કે ખુલ્લા મેદાનમાં વીતાવે છે.(જો ધાબું હોય તો નહીં તો પડોશીનું) આમ શરીરને આ દિવસે નીકળતાં સોનેરી કિરણો શરીરનાં અંગો ને નવપલ્લવિત કરે છે. એમ કહેવાય છે કે આ દિવસે નીકળતાં સૂર્યનાં કિરણો શરીરને આરોગ્ય અને આયુષ્ય પ્રદાન કરે છે. કાપ્યો અને કપાયાનાં નારા સાથે સમગ્ર દિવસ રોમાંચક રીતે પૂર્ણ થાય છે. ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ છે એટલે એના ઉપયોગની વાત અહીં અસ્થાને છે. છતાં છાનેખૂણે ચાઈનીઝ દોરીનો જથ્થો પકડાવાના સમાચારો પણ અખબારોમાં પ્રસિધ્ધ થતાં હોય છે. હા એક વાત પણ છે કે આ પતંગોત્સવ દરમિયાન પતંગ રસિયાઓ પોતાના દોરીને કાંચ જેવા પદાર્થોથી માંજી અને તિક્ષ્ણ બનાવે છે જેથી અન્યની પતંગો કાપી શકાય. જો કે આવી પતંગની ધારદાર દોરી પણ કેટલાય પક્ષીઓનો જીવ લઈ શકે છે જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. આવી ધારદાર દોરીઓથી લોકોના ગળા કપાયા કે ગંભીર ઈજા થયાના દાખલા પણ આ પર્વની ઉજવણી દરમિયાન બનતાં જોવા મળે છે. ( એટલે આ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ઉપયોગ કોઈ પણ સંજોગોમાં ન કરવો જોઈએ) અને રાત્રીના સુમારે ઊડાડવામાં આવતાં તુક્કલો પણ શહેરમાં આગની દુર્ઘટના સર્જી શકે છે. 

આમ આવી દુર્ઘટના પણ આ પર્વની ગરીમાને લજવે છે.  આ પર્વ નિમિત્તે લોકો લાખો રૂપિયાનું ઊંધિયું ઝાપટી જતાં હોય છે. જો કે ઘણાં સમયથી પર્યાવરણીય ક્ષેત્રે થતી ઉથલપાથલ કોઈ બદલાતાં સમયનાં એંધાણ તો નહીં હોય ને? જૂઓને દેશમાં ઉત્તરાયણ સમયે પણ  કમોસમી વરસાદની સંભાવના કોઈ સૂચિત ઈશારો તો નહીં હોય ને કે હવે પ્રકૃતિનું  આમ બેફામપણે દોહન  ન કરો.!! ત્યારે ચાલો આ પુણ્ય પર્વ નિમિત્તે આપણે સૌ સાથે મળીને એક વ્રત લઈએ કે આ વર્ષ દરમ્યાન કમસેકમ એક વૃક્ષ તો વાવીને તેનું જીવનભર જતન કરીએ. જો આમ થશે તો જ કદાચ આપણે પ્રકૃતિનાં આવાં અણધાર્યા પ્રકોપથી બચી જશું અને વણનોતરી આફતોને અલવિદા કહી શકીશું. શું આ પર્વ નિમિત્તે આ સંભવ છે? અને પ્રકૃતિનું સંવર્ધન એ તર્જ મુજબ ભવિષ્યમાં આપણે ઉત્તરાયણની ઉજવણી કરીશું તો એક પ્રાકૃતિક સૌંદર્યસભર દેશનું નિર્માણ પણ સંભવિત થઈ શકે ખરુ. આપણી મૂળસ્વરૂપની પ્રાચીન ગ્રામ્ય સંસ્કૃતિનું સેવન કરી અને ગોકૂળ ગ્રામનું નિર્માણ પણ કરીએ એવો સંકલ્પ પણ આ પર્વ નિમિત્તે લઈએ તો પ્રકૃતિ ખૂબ રાજી થશે અને આ રામમય પ્રફુલ્લિત વાતાવરણમાં દેશ નંદનવન બનશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/