fbpx
અમરેલી

ચૈત્ર માસમાં લીમડો તમારો વૈદ્ય બનીને આવે છે..!! વિસરાતી જતી પરંપરાઓ વચ્ચે આસપાસના આયુર્વેદને અપનાવો. 

ચૈત્ર સુદ એકમના દિવસે આપણે ત્યાં લીમડાનાં ફૂલ (મહોર)ની ચટણી ખાવાનો અથવા લીમડાનું પાણી પીવાનો રિવાજ છે. કઈ ઋતુમાં કયા વૃક્ષ ઉપયોગી છે તેનું સંશોધન કરી સામાન્યજન પણ તેના સેવનથી તનમનની સ્વસ્થતા કેળવી  શકે એવી ભાવના સાથે વનસ્પતિઓ સાંકળી લઈ ઋષિમુનિઓએ આપણા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. આમ તો ગૂડીપડવાથી કાળઝાળ ગરમીના દિવસો  શરૂ થઈ જાય છે. ઘરોમાં, દુકાનોમાં, ઑફિસોમાં એરકન્ડિશનરો તેના મહત્તમ સૂચકાંકે ચાલુ પણ રહેતા જોવા મળે છે. હજુ પણ અમરેલી જિલ્લાના સોનારિયા થી ચલાલા રોડ સુધી જતાં રોડની બંને બાજુએ ઘેઘૂર લીમડા જોવા મળે છે. તો વાંકિયાના પાટિયા થી વાકિયા સુધી પણ લીમડા લૂમઝૂમ કરે છે. જો કે હવે આપણે બોન્સાઈ યુગમાં પ્રવેશી ગયા છીએ એટલે આપણને આવા મોટા વૃક્ષો વિશે ઓછી સમજ હોય એવું લાગે છે. એક તરફ ઉનાળાનું આગમન અને બીજી બાજુ ગ્લોબલ વોર્મિંગને કારણે વધતી જતી ગરમી એમ બેઉ બાજુથી આપણે ભીંસમાં આવી ગયા છીએ, ત્યારે મહાન ઋષિ તુલ્ય લીમડો આપણેને આ ગરમીથી બચાવી  શકે તેમ છે.

કારણકે લીમડો એ જીવતું જાગતું એરકન્ડિશનર જ છે પ્રકૃતિનો એક  નિયમ છે કે જેની પાસે જે ન હોય એ વસ્તુ એને મળે તો એ ખૂબ જ ખુશ થઈ જાય છે. બળબળતા સૂર્યને પાણીની અંજલિથી ખૂબ જ સંતોષ થાય છે, આ જ રીતે અત્યંત ઠંડી પ્રકૃતિનો લીમડો ગ્રીષ્મઋતુમાં સૂર્યમાં પ્રખર કિરણોનો કોળિયો કરી જવા તલપાપડ બની જાય છે. જેમ કોઈ રસોઈ પકાવવા આપણે ચૂલા પર ગરમ કરીએ છીએ એ જ રીતે પોતાનાં ફળ પકાવવા લીમડો સૂર્યમાંથી ગરમી શોષે છે. આમ તો દરેક વૃક્ષ સૂર્યપ્રકાશ મેળવીને પોતાની રસોઈ કરતાં હોય છે, પરંતુ લીમડો, આંબો, કેસૂડો, બીલીવૃક્ષ, ગુલમહોર વગેરે વૃક્ષને કુદરતે ઉનાળામાં ફળ પકાવવાનો આદેશ આપ્યો હોય તેમ તેઓ ગરમીમાં જ વધુ ખીલી ઊઠે છે. જેટલી ગરમી વધુ એટલા એ વૃક્ષનાં ફળ વધુ ગુણકારી, જેમ કે લીંબોળી, કેરી વગેરે. એમાં પણ લીમડો વધુ ઠંડો હોઈ વધુ ગરમી મેળવવાનું કાર્ય કરે છે. પરિણામે લીમડા પર પડતી સૂર્યની ગરમી તુરત અને મોટા પ્રમાણમાં શોષાઈ જાય છે. આથી તેનાં સાંનિષ્યમાં આવતાં માનવપશુ-પક્ષી ભરઉનાળે પણ ઠંડક અનુભવે છે.

મનુષ્યે શોધેલું એરકન્ડિશનર ફક્ત રૂમના એક મર્યાદિત ભાગમાંથી ગરમી દૂર કરી પાછલા માર્ગે બહાર કાઢે છે, એટલે કે રૂમની અંદર ઠંડક થાય, પરંતુ રૂમની બહારનુંવાતાવરણ વધુ ગરમ થાય છે. આમ,એરકન્ડિશનર ગરમીનું ફક્ત સ્થળાંતર કરે છે એમ કહી શકાય, જયારે લીમડો ગરમીનું પરિવર્તન કરે છે. ગરમ કિરણોનો ઉપયોગ કરી લીમડો પોતાનાં ફળ લીંબોળીને પકવે છે. વધારામાં આપણને ઠંડક આપે છે. આ જ રીતે આંબો ગરમી મેળવીને આપણાને સરસ મજાની કેરી ખાવા આપે છે. ઋતુઓના ફેરફાર થાય તો એ ફેરફારમાં માણસો પશુ- પંખીઓ ટકી રહે તે માટેનાં વૃક્ષો પણ કુદરતે આપણને આપ્યાં છે, પરંતુ આપણે લોકો વૃક્ષો વધુ વાવવાને બદલે સિમેંટ કોંક્રીટના રોડ રસ્તા ઇમારતોના જંગલ ખડા કરીએ છીએ. અને પાછા વિકાસ શબ્દથી પોરસાઈએ પણ છીએ.!! હવે તો અમેરિકા, યુરોપ સહિતના દેશોના વૈજ્ઞાનિકો લીમડો પોતાને ત્યાં ઉછેરવા લઈ ગયા છે અને લીમડો માત્ર ઠંડક જ નહિ, જંતુનાશક તરીકે અને વિવિધ રોગમાં દવા તરીકે પણ અત્યંત ઉપયોગી છે તેવું ત્યાંના વૈજ્ઞાનિકોએ સિદ્ધ કર્યું છે.

અમેરિકાના વૈજ્ઞાનિકોએ તો લીમડાને ‘મેડિસન ટ્રી ઓફ ઈન્ડિયા’ તરીકે જ ઓળખાવ્યો છે. વધુમાં તેઓ આ ઝાડને એર પ્યોરિફાયર એટલે કે હવાના શુદ્ધિકરણનો કર્તા કહ્યો છે. લીમડા ઉગાડવાથી ઠંડકની સાથે સાથે વાતાવરણમાં શુદ્ધતા પણ પ્રવેશે છે. ગ્લોબલ વોર્મિંગના જમાનામાં લીમડા જેવા જીવંત સંતવૃક્ષને ઠેરઠેર વાવીને તેમનું જતન કરવાનું લોકોએ અભિયાન કરવું જોઈએ. માણસ કરતાં તો પશુ-પંખી લીમડા’ ને વધારે સમજે છે. ગરમ પ્રદેશના ઊંટ અને બકરી લીમડાનાં પાન હોંશે હોંશે ખાઈને શરીરને ઠંડક આપે છે. કાળા હોવાને કારણે ગરમીમાં વધું ત્રાસ પામતા કાગડા, કોયલ જેવાં અનેક શ્યામરંગી પક્ષી લીમડાને પોતાનું

આશ્રયસ્થાન બનાવે છે. સંસ્કૃતમાં લીમડાને કાકફળ’ એટલે જેનું ફળ. કાગડાને પ્રિય છે તેવું વૃક્ષ કહ્યું છે. લીમડો માત્ર વાતાવરણમાં ઠંડીનો વીંઝણો જ વીંઝતો નથી પરંતુ સેવનથી આપણા શરીરને પણ ઠંડક મળે છે. વળી, આપણા શાસ્ત્રોમાં તો એટલું બારીકાઈપૂર્વક નિરીક્ષણ થયું છે કે લીમડાનું કયું અંગ વધારે ગુણકારી છે તે પણ અંગે પણ ઉલ્લેખ છે  જેમ કે લીમડાનાં પાકટ પાન કરતાં કૂણાં પાન અને કૂણાં પાન કરતાં તેનાં ફૂલ(મહોર) વધારે ઠંડક આપે છે. એટલે જ તો ચૈત્ર મહિનામાં લીમડાનાં કુણાં  પાનનો રસ કે ફૂલ(મહોર)ની ચટણી ખાવાનું કહેવામાં આવ્યું છે. બારે માસ જોવા મળતાં લીમડાનાં પાકટ પાન કરતાં ઉનાળામાં મહોરતાં પુષ્પો અને કૂણાં પાન વધારે ‘ગરમીભુખ્યાં’ હોઈ શરીરમાં દાખલ થતાં જ સક્રિય બની જાય છે અને શરીરની ગરમી શોષી લઈ ગરમીથી થતાં દર્દો જેવાં કે પિત્ત અને ચામડીના રોગોથી મનુષ્યને રક્ષણ આપે છે. ઓરી, અછબડા  જેવા રોગ વખતે બારી- બારણાં આગળ લીમડાની ડાળી લગાડવામાં આવે છે તેમ જ દર્દી પથારીમાં લીમડાનાં પાન પાથરવામાં આવે છે.

શીતળતામાં ને પોતાના નામ પ્રમાણે જ શાતા આપતો લીમડો વધુ રૂચિકર છે. આજની વૈજ્ઞાનિક ભાષામાં કહેવું હોય તો એમ કહી શકાય કે જ્યાં લીમડો હોય ત્યાં શીતળામાં એટલે કે શીતળતા પ્રસન્ન થાય છે. ગરમીના દિવસોમાં લીમડાનો વધુમાં વધુ ઉપયોગ કરી કુદરતી રીતે જ ઠંડક મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેમ કે લીમડાનું દાતણ ખાસ કરવું જોઈએ. તેનાથી દાંત તો સાફ થાય છે સાથે મોઢાની ગરમી દૂર થાય છે. લીમડાનાં પાન પાણીમાં નાખી સ્નાન કરવાથી ચામડીને ઠંડક મળે છે. નરણેકોઠે તેના ફૂલ કે કૂમળાં પાનનું પાણી પીવાથી પેટની અને આંખની ગરમી દૂર થાય છે. અરે લીમડાની લીંબોળીના ઠળિયામાંથી તેલ પણ કાઢીને તેને આર્યુવેદિક ઉપયોગ કાજે વાપરી શકાય. લીમડાના સાંનિધ્યથી પણ ઠંડક મેળવી શકાય છે, જેમ કે ધરમાં લીમડાની ફૂલ સહિત ડાળી લાવી ફુલદાનીમાં ફૂલ સાથે રાખવા તેમ જ પાણીની નાની કુંડીએઓમાં પાન નાખી રાખવાથી પણ વાતાવરણમાં ઠંડક ફેલાય છે. તદુપરાંત બારી-બારણાંમાં લીમડાનું પાનનું તોરણ બાંધી શકાય. આવા પ્રયોગ માત્ર ઘરે જ નહિ, ઓફિસ કે દુકાનમાં પણ કરી શકાય. ચૈત્ર- વૈશાખ એટલે વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય. આવા સમયમાં વીજળીની તંગીના માહોલમાં આશાસ્પદ વિદ્યાર્થીઓને વાંચવા પૂરતી લાઈટ મળી રહે તે માટે પણ શક્ય હોય ત્યાં ઍરકન્ડિશનરનો ઉપયોગ ઓછો કરી કુદરતી નીમ કન્ડિશનરનો ઉપયોગ વધારવાથી વીજળી બિલ તો ઓછું કરી શકાય, સાથે એક જાગૃત નાગરિક તરીકે વીજળીની બચત કરવામાં નિમિત્ત પણ બની શકાય.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/