fbpx
અમરેલી

ગુણોત્સવ અંતર્ગત સતત ૪ વર્ષથી A ગ્રેડ મેળવતી અમરેલી જિલ્લાની એક શાળાના શિક્ષકના શિક્ષણ, સમાજ ઉત્કર્ષ, પ્રકૃતિ પ્રેમ અને સમાજ ઘડતરના જાણવા જેવા નવતર પ્રયાસો

નૂતન વિચાર સાથેના ઉર્જાવાન શિક્ષક વિદ્યાર્થીઓ અને સમાજમાં શું પરિવર્તન લાવી શકે છે ? તે પુરવાર કર્યુ છે, અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની ચારોડીયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજરત શ્રી સંજય ભાઈ મકવાણાએ. શિક્ષણ અને સમાજ ઉત્કર્ષ માટે આગવો અભિગમ ધરાવતા શ્રી સંજયભાઈને ગુજરાત રાજય સરકારે  શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિકથી નવાજ્યા છે.

    શિક્ષણના માધ્યમથી સતત નવું કરવા માટે મથામણ કરતા રહેતા શ્રી સંજયભાઈ મકવાણા જણાવે છે કે, વિદ્યાર્થીઓ વાંચી-લખીને તો જ્ઞાન પ્રાપ્ત કરે જ છે પરંતુ વિદ્યાર્થીઓ પોતે જ જોવે – અનુભવે ત્યારે સમજણ સાથે શિક્ષણને વધુ અસરકારક રીતે આત્મસાત કરે છે, આ માટે શિક્ષણ કાર્યમાં વિદ્યાર્થીઓની રસરુચિ કેળવાય તે માટે શાળામાં સતત રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ઉપરાંત જુદી-જુદી સરકારી કચેરીઓની મુલાકાત અને શૈક્ષણિક પ્રવાસો પણ યોજવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ જ્ઞાન પણ મેળવી શકે.

      સંજયભાઈએ શાળાની વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી ગ્રામજનોને પણ શિક્ષણ સાથે જોડ્યા. સ્વચ્છતા, વૃક્ષ ઉછેર અને વ્યસન મુક્તિ માટે પણ જરુરી પ્રયાસો કર્યા અને તે માટે વિશેષ જાગૃતિ કેળવી.  શ્રી સંજયભાઈએ આત્મનિર્ભર શાળા નામનો એક નવીન પ્રોજેક્ટ બનાવ્યો, આ માટે તેમણે પેન – ઇન્ડિપેન બનાવવા માટેનું આશરે રુ.૧૫૦૦૦ નું મશીન સ્વખર્ચે ખરીદ્યું. વિદ્યાર્થીઓ આ મશીનના માધ્યમથી શાળાના સમય બાદ અનુકૂળતાએ આ મશીન દ્વારા પેન બનાવે છે.

     શાળા સમય બાદ વિદ્યાર્થીઓ પેનની શાહી ફીલ કરવાની સાથે પેનનો પોઇન્ટ ફીટ કરવો વગેરે કામ કરવાનું રહેતું હોય છે. આમ, તેમના તેના મહેનતાણા પેટે પૈસા રજિસ્ટરમાં જમા લેવામાં આવે છે. વિદ્યાર્થીઓને પેન બનાવવા માટે પ્રાપ્ત થયેલ મહેનતાણામાંથી શૈક્ષણિક કાર્ય માટેની વસ્તુઓ ખરીદી શકે છે. આ સાથે વિદ્યાર્થીઓ બજાર કરતા સસ્તા દરે નોટબુક, ચોપડા, પેન, પેન્સિલ વગેરે જરુરી સ્ટેશનરી ખરીદી શકે તે માટે રામ હાટ પ્રોજેક્ટ પણ શાળામાં શરુ છે. તેમાં વિદ્યાર્થીઓએ એક ગલ્લામાં પૈસા નાખી પોતાની જાતે જ તેમાંથી શિક્ષણ માટેની જરુરી વસ્તુઓ મેળવી લેવાની હોય છે. આમ, વિદ્યાર્થીઓને શિક્ષણ માટે ઉપયોગી હોય તેવી વસ્તુઓ શાળામાંથી સસ્તા દરે મળી રહે છે. વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસની સાથે પેન બનાવવાનું કૌશલ્ય અને સતત કંઇક શીખવાનો અભિગમ કેળવાય છે. જરુરી સ્ટેશનરી ખરીદવા તેમને સ્વનિર્ભર થવાની શીખ મળે છે. વિદ્યાર્થીઓને નોટબુક, પેન, પેન્સિલ સહિતની વસ્તુઓ ખરીદવા વાલી પાસેથી પૈસા લેવાને બદલે પોતે કંઇ કરી શકે તે ગુણ તેમનામાં શરુઆતથી જ વિકસી શકે તેવું વાતાવરણ મળી રહે છે.

    સંજયભાઈ કહે છે કે, શાળામાં એક બચત ગલ્લા બેંક પણ શરુ કરવામાં આવી છે, જેમાં દરેક વિદ્યાર્થીઓ પોતાની પોકેટમનીમાંથી પૈસા બચાવી આ ગલ્લા બેંકમાં જમા કરે છે, જેમાંથી વર્ષના અંતે વાલીની હાજરીમાં આ બચત બેંકના ગલ્લા ખોલવામાં આવે છે અને જે પૈસા નીકળે છે, તેમાં વાલીઓ પણ પૈસા ઉમેરી બાળકના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આમ, બાળકમાં આત્મનિર્ભર થવાની સાથે “બચત બીજો ભાઇ” ગુણ પણ વિકસિત થાય છે.

     રાજય સરકારના ‘વાંચે ગુજરાત’ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે ગ્રામ લોકોની પણ વાંચન માટે રુચિ કેળવાય અને તેઓ વાંચનની ટેવ વિકસે તે માટે હરતું-ફરતું પુસ્તકાલય પણ શરુ કરવામાં આવ્યું છે. રવિવાર કે રજાના દિવસોમાં આ હરતું-ફરતું પુસ્તકાલય ગામની દરેક શેરીઓમાં ફરે છે, ગામલોકો પુસ્તક વાંચવા માટે લઈ જઇશકે છે. પુસ્તકો આપવા લેવા માટેની કામગીરી પણ વિદ્યાર્થીઓ જ નિભાવે છે.

વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા બાબતે વિશેષ જાગૃતિ કેળવાઈ તે માટે ગામમાં મોબાઈલ ડસ્ટબિન શરુ કરવામાં આવી છે. કચરો એકત્ર કરવાની સાથે લોકોને સ્વચ્છતા માટે જરુરી સમજણ આપવામાં આવે છે. શૌચાલય ન હોય તેવા ઘરોની યાદી બનાવવામાં આવી. જે સૌથી પહેલા શૌચાલય બનાવે તેમને શાલ, શિલ્ડ અને ફુલહારથી સન્માનિત કરવામાં આવ્યા. શ્રી મકવાણાએ ઉમેર્યુ કે, ચારોડીયા પ્રાથમિક શાળાએ પણ સ્વચ્છ શાળાનો એવોર્ડ મેળવ્યો છે. આમ, સ્વચ્છતા માટે એક જુદા વાતાવરણનું નિર્માણ થયું.

ઇકો ક્લબ અંતર્ગત વિદ્યાર્થીઓને પર્યાવરણના જતન માટે સચેત બને તે માટે પ્રકૃતિ શિબિરમાં ભાગ લેવાની સાથે દરેક વિદ્યાર્થીઓને દર વર્ષે એક છોડ આપવામાં આવે છે. સાથે જ વિદ્યાર્થીઓને આપવામાં આવેલા છોડનું તેમના કરવામાં આવતા છોડના જતન અને કાળજીનું મૂલ્યાંકન થાય છે. જે વિદ્યાર્થીએ રોપેલ છોડ તંદુરસ્ત અને વધુ ઊંચાઈ હોય તેને પ્રોત્સાહક વસ્તુ આપી સન્માનિત કરવામાં આવે છે, જેથી બાળકોમાં વૃક્ષ ઉછેર માટે પ્રોત્સાહન મળે અને સહજ રીતે બાળકમાં પ્રકૃતિ પ્રેમનું ઘડતર થાય.

વિદ્યાર્થીઓના વાલીઓ વ્યસન મુક્ત બને તે માટે પણ શાળા દ્વારા પ્રયાસ કરવામાં આવે છે. ખાસ કરીને વાલી દ્વારા વિદ્યાર્થીઓને જ્યારે વ્યસન માટેની કોઈ વસ્તુ બજારમાં લેવા જવાનું કહેવામાં આવે ત્યારે તેનો ઇન્કાર કરવા વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવે છે. જુદી-જુદી પ્રવૃત્તિ દ્વારા પણ વ્યસન મુક્તિ માટે લોકોને પ્રેરિત કરવામાં આવે છે અને જે કોઈ વાલીઓ કાયમી માટે વ્યસન છોડી દે તો તેવા વાલીઓને શાળા દ્વારા જાહેરમાં સન્માનિત કરવામાં આવે છે, આમ કરવાથી અન્ય પણ વ્યસન ત્યજવા માટે પ્રેરિત થાય છે.

શ્રી સંજયભાઈ જાહેર રજાઓમાં પણ સતત શાળાની અને ગામના ઉત્કર્ષની પ્રવૃત્તિઓમાં પ્રવૃત્તમય રહે છે દિવાળી જેવો તહેવારમાં શાળામાં રંગોળી બનાવવી, દીવા પ્રગટાવવા, લાઇટિંગ ડેકોરેશન કરે છે, અને નવા વર્ષે સ્નેહમિલન પણ શાળામાં યોજે છે. આમ, અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા કેળવણીનું કાર્ય શાળા પરિવાર અને ગ્રામજનોના સહયોગથી કરી રહ્યા છે. શ્રી સંજયભાઈ અત્યાર સુધીમાં ૫૦ વખત રક્તદાન પણ કરી ચૂક્યા છે.ચારોડીયા પ્રાથમિક શાળા છેલ્લા ૪ વર્ષથી ગુણોત્સવ અંતર્ગત A ગ્રેડ મેળવે છે. ઉપરાંત શાળામાં સ્માર્ટ ક્લાસ, સીસીટીવી કેમેરા સહિતની ભૌતિક સુવિધાઓથી સજજ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/