ગુજરાતમાં દરરોજ ૧૨ હજાર લોકો રોકડો દંડ ભરપાઈ કરે છે અમદાવાદીઓએ એક દિવસમાં માસ્ક ન પહેરવા બદલ ભર્યો ૫૫ લાખ દંડ
કોરોના સામેની લડાઈ લાંબી છે અને કાયમી માસ્ક ધારણ કરવો એ શ્રેષ્ઠ ઉપાય છે છતાં માસ્ક પહેરવાના મુદ્દે અમદાવાદી ઊણા ઊતરે છે એવું દંડ વસૂલાત પરથી જણાઈ રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસમાં માસ્ક દંડપેટે ૫.૮૯ કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. રાજ્યમાં દરરોજ સરેરાશ ૧૨ હજાર લોકો પાસેથી સવા કરોડ રૂપિયા જેટલો દંડ વસૂલવામાં આવે છે. એમાંથી અડધો એટલે કે ૫૫ લાખ રૂપિયા જેટલો દંડ અમદાવાદીઓ ભરે છે.
માસ્ક દંડ વસૂલાતની કામગીરી પોલીસ તંત્ર અને રાજ્ય સરકાર માટે આવકનું કેન્દ્ર બની ગઈ હોવાનું લોકો માનતા થયાં છે. ૨૩થી ૨૭ ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં જાહેરનામાના ભંગ બદલ કુલ ૨૪૧૫ ગુના નોંધવામાં આવ્યા છે, જ્યારે ૫૯૧૮૮ વ્યક્તિ પાસેથી કુલ ૫.૮૯ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ પાંચ દિવસ દરમિયાન મોટર વેહિકલ એક્ટ હેઠળ કુલ ૪૩૮૬ વાહન જપ્ત કરવામાં આવ્યાં છે અને ૪૯૮૬ વાહનચાલકની ધરપકડ પણ કરવામાં આવી છે. ગુજરાત સરકારે કોરોના અટકાવવા જાહેર કરેલા નિયમોના પાલન માટે ગુજરાત પોલીસ સક્રિય છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોનું પાલન ન કરનારી વ્યક્તિ સામે પોલીસ તંત્ર દંડ વસૂલાતની કામગીરી કરે છે.
ગુજરાતમાં પોલીસ દ્વારા દરરોજ સરેરાશ સવા કરોડ રૂપિયા જેટલી રકમ માસ્ક દંડપેટે વસૂલ કરવામાં આવે છે. આમાંથી અડધી રકમ તો અમદાવાદ શહેરમાંથી જ વસૂલ કરવામાં આવે છે. અમદાવાદ શહેર પોલીસે તા. ૨૮ના રોજ કુલ ૫૫ લાખ રૂપિયાની દંડ વસૂલાત કરી છે, જેમાં ૩૯૭૯ વ્યક્તિ પાસેથી માસ્ક નહીં પહેરવા અને જાહેરમાં થૂંકવા બદલ કુલ ૩૯.૭૯ લાખ રૂપિયા તેમજ લોકડાઉન અને જાહેરનામા ભંગ બદલ ૧૪૮ વાહનો કબજે કરવા ઉપરાંત ૧૫.૪૧ લાખ રૂપિયાનો દંડ વસૂલાયો છે.
Recent Comments