fbpx
ગુજરાત

રાજ્યમાં બોર્ડની પરીક્ષાનાં ફોર્મ ઉત્તરાયણ બાદ ભરાશે ગુજરાત બોર્ડની પરીક્ષામાં પણ હવે ઉત્તરવહીઓનું ચેકિંગ ઓનલાઇન થશે

ગુજરાત શિક્ષણ બોર્ડ પણ હવે ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષામાં ઉત્તરવહીઓનું ચેકિંગ ઓનલાઇન કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને બોર્ડ ડિજિટલાઇઝેશન તરફ વધુ એક પહેલ કરતાં આગામી બોર્ડ પરીક્ષાથી ઓનલાઈન એસેસમેન્ટ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. એ માટે હાલ ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. ઉચ્ચ શિક્ષણમાં હાલ જીટીયુ સહિતની કેટલીક યુનિ.ઓ દ્વારા પરીક્ષાઓ બાદ ઓનલાઈન એસેસમેન્ટ કરાવવામાં આવે છે. ગુજરાત બોર્ડ દ્વારા ઉત્તરાયણ સુધીમાં અથવા ઉત્તરાયણ બાદ બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ સાથે તારીખો જાહેર કરી દેવાય એવી શક્યતા છે. ગુજરાત બોર્ડની પરીક્ષા ૧૦ મે અથવા ૧૭ મેથી શરૂ થાય એવી શક્યતા છે. થોડા દિવસમાં ગુજરાત બોર્ડ દ્વારા રાજ્યની રજિસ્ટર્ડ સ્કૂલોનું અને એના વિષયવાર શિક્ષકોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરાશે. ત્યાર બાદ ઉત્તરાયણ પછી ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષાનાં તબક્કાવાર ફોર્મ ભરાવાનું શરૂ થશે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૨૦૨૧ની બોર્ડ પરીક્ષાને લઈને એસેસમેન્ટ સર્વિસ માટે ટેન્ડર પણ કરવામાં આવ્યું છે અને જેમાં એજન્સી પાસેથી દરખાસ્તો મગાવવામાં આવી છે. ગુજરાત બોર્ડ દ્વારા હાલ પ્રાયોગિક ધોરણે સૌથી ઓછા વિદ્યાર્થી હોય એવા કોઈ એક ધોરણની બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓનું સ્કેનિંગ કરી ઓનલાઈન એસેસમેન્ટ કરાશે. હાલ બોર્ડ દ્વારા પરીક્ષા બાદ રાજ્યના વિવિધ ઝોનમાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં ઉત્તરવહીઓનાં બંડલો ગાડીઓમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે છે અને દરેક કેન્દ્રમાં શિક્ષકો રૂબરૂ જઈને ઉત્તરવહીઓ તપાસી એના માર્કસ પણ મેન્યુઅલી મૂકે છે અને ત્યાર બાદ એમાંથી પરિણામનો કમ્પ્યુટરાઈઝ ડેટા તૈયાર કરવામાં આવે છે.

Follow Me:

Related Posts