વડોદરા કલેક્ટર કચેરીમાં આગ, ૫ વર્ષના મતદાનનો ડેટા બળીને ખાખ

વડોદરા કલેક્ટર કચેરીમાં આજે આગ ફાટી નીકળતા નાસભાગ મચી હતી. આ આગમાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ છેલ્લા ૫ વર્ષના મતદાનનો ડેટા સહિત ફર્નિચર આગમાં બળીને ખાખ થઈ ગયું હતા. આ ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વડોદરા કલેક્ટર કચેરીમાં આવેલા મહેકમ દફ્તર વિભાગમાં અચાનક ધૂમાડાના ગોટા ઉડતાં અફરાતફરી મચી હતી.
આગના પગલે કામ કરી રહેલા કર્મચારીઓ જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા હતા. આ અંગેની જાણ થતાં દાંડિયા બજાર ફાયર વિભાગનો કાફલો અને વીજ કંપનીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વીજ કંપનીની ટીમે વીજ પૂરવઠો બંધ કર્યો હતો, જ્યારે ફાયર વિભાગની ટીમે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ છેલ્લા ૫ વર્ષના મતદાનનો ડેટા સહિત ઑફિસ ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું. જણાવી દઈએ કે, હાલ રાજ્યમાં પાલિકાની ચૂંટણી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે કલેક્ટર કચેરીમાં આગની ઘટનાથી કામગીરી પર અસર થઈ હતી. હવે પાલિકા ચૂંટણી પૂર્વે આગની ઘટનામાં અગાઉના મતદાનનો ડેટ બળી જતા અનેક શંકાઓ સેવાઈ રહી છે.
Recent Comments