કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૧ હજાર ૫૦૦ને પાર રાજકોટમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૧૦ના મોત, ૩૦ કેસ પોઝિટિવ
કેસ વધતાં કેન્સર હોસ્પિટલ કોવિડમાં ફેરવાઈ
રાજકોટમાં ૨૪ કલાકમાં ૧૦ દર્દીના કોરોનાથી મોત થયા છે અને ૩૦ કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૧ હજાર ૫૦૦ને પાર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં ૮૦૦થી વધુ દર્દી સારવાર હેઠળ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ટેસ્ટીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં કોવિડની ક્ષમતા વાળા ૧૮૦૦થી વધુ બેડ ખાલી છે. કેસ વધતાં આજથી કેન્સર હોસ્પિટલ કોવિડમાં ફેરવવામાં આવી છે.
રાજકોટમાં કોરોનાનાં કેસ વધતા કલેક્ટર દ્વારા આજથી ફરી કેન્સર હોસ્પિટલમાં કોવિડ-૧૯ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. જેમાં કુલ ૧૯૨ બેડ અને ઓક્સિજનની સુવિધા રહેશે. હાલ ડોક્ટર્સ, નર્સ અને હેલ્થ વર્કર સહિતનો જે જૂનો સ્ટાફ હતો તેની જ નિમણૂંક કરી દેવામાં આવી છે.
દેશમાં વેક્સિન ઝડપથી આવી રહી છે તેવા સંકેત મળી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં કોલ્ડ ચેઈન તેમજ લાભાર્થીઓની યાદી બનાવાઈ છે. અમરેલીના ચાવંડમાં આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ચાર તબક્કામાં રસી અપાશે તેવી મહત્ત્વની જાહેરાત કરી છે.વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ‘વડાપ્રધાન થોડા જ સપ્તાહોમાં વેક્સિન લાવવા માટે સતત પ્રયત્નશીલ છે ગુજરાતે વેક્સિન માટે પૂરી તૈયારી કરી લીધી છે. સ્ટોરેજ ફેસિલિટી હોય કે કોલ્ડ ચેઈન બધું જ તૈયાર છે. જેને વેક્સિન આપવાની છે તેનો પણ ડેટા છે. આ વેક્સિન ચાર તબક્કામાં અપાશે. સૌથી પહેલા હેલ્થ વર્કર જેવા કે ડોક્ટર અને નર્સિંગ સ્ટાફને અપાશે.
Recent Comments