fbpx
ગુજરાત

ઇકોસેનસીટીવ ઝોનથી 196 ગામડા પ્રભાવિત છે. માટે આ ઇકોસેનસીટીવ ઝોનને રદ કરવામાં આવે: રાજુ કરપડા

આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આવતી 25 તારીખે બામણાસા ગામે મહા પંચાયતનું આયોજન થઈ રહ્યું છે, જે કેટલાક મહત્વપૂર્ણ તાત્કાલિક અસરથી અમલ કરવા જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવી રહ્યું છે. એમાં ખાસ કરીને ઘેડ વિસ્તારનો એક પ્રશ્ન છે. ઘેડ વિકાસ નિગમની રચના કરવામાં આવે અને સરકાર અલગથી તેમાં બજેટની ફાળવણી કરે, કાયમી ધોરણે ઘેડ વિસ્તારના ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે. બીજું કે, ઇકોસેનસીટીવ ઝોનથી 196 ગામડા પ્રભાવિત છે. માટે આ ઇકોસેનસીટીવ ઝોનને રદ કરવામાં આવે. ત્રીજી બાબત કે, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે ગુજરાતના 14 જેટલા જિલ્લાઓના ખેડૂતોને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે, ત્યારે આ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક અસરથી વળતર ચૂકવવામાં આવે અને જે ખેડૂતોએ પાક ધિરાણ લોન લીધી છે અને તેમનો પાક નુકસાનમાં ગયો છે તેમની ધિરાણ લોનને સરકાર દ્વારા માફ કરવામાં આવે.

બીજા લાંબા ગાળાના મુદ્દાઓ છે જેના માટે અમે સરકારને વિચારવા માટે સમય આપીશું. પરંતુ સરકારને સમય આપ્યા પછી પણ જો સરકાર ખેડૂતોના મુદ્દા પર કોઈ નિરાકરણ નહીં લાવી તો આવનારા સમયમાં સંયુક્ત કિસાન મોરચા અંતર્ગત ગુજરાતના તમામ ખેડૂત સંગઠનોની સાથે રાખીને, રાષ્ટ્રીય નેતાઓને સાથે રાખીને આગામી દિવસોમાં એક મોટું આંદોલન કરવામાં આવશે. લાંબાગાળાના મુદ્દાઓમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ એ છે કે સ્વામીનાથન કમિટીની જે ભલામણ હતી તે અનુસાર એમ એસ પી નો કાયદો બનવો જોઈએ. ખરેખર ખેડૂતોને એમએસપીના ભાવ પ્રમાણે પાકના પૂરતા ભાવ મળવા જોઈએ. કાયમી ધોરણે ખેડૂતોની સમસ્યાઓના નિરાકરણ માટે લાંબા ગાળાની કૃષિનીતી બને અને કૃષિ પંચ બનાવવામાં આવે. સાથે સાથે ખેડૂતોના તમામ પ્રકારના દેવા નાબૂદ કરવામાં આવે તેવી પણ અમારી માંગણી છે. આ લાંબા ગાળાના મુદ્દાઓને લઈને અમે સરકારને સમય આપીશું પરંતુ ઘેડ વિસ્તારનો અને ઇકોસેનસીટીવ ઝોનનો જે હાલના પ્રશ્ન છે, કેમિકલથી નદીઓ પ્રદૂષિત છે જેના કારણે ખેડૂતોની જમીનના તળ ખરાબ થયા છે, આ તમામ મુદ્દાઓને લઈને 25 તારીખે મહાપંચાયતની શરૂઆત કરીશું, ત્યારબાદ પણ સરકાર અમારી માંગ નહીં સ્વીકારે તો ગુજરાતના તમામ જિલ્લાઓમાં આંદોલન થશે.

Follow Me:

Related Posts