સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આકરૂ પગલુ લેવાયું
સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ (ડીમોલીશન) કરવામાં આવેલ. જેમાં નગરપાલિકાની જગ્યાઓ ઉપર અવૈદ્ય રીતે દબાણ કરી કેબીનો, પાલા તેમજ નડતરરૂપ ઓટા/છાપરાઓ બનાવનાર સામે લાલ આંખ કરી પોલીસ તંત્ર, વહીવટી તંત્ર ને સાથે રાખી ડીમોલીશન કરવામાં આવેલ. આ દબાણ હટાવ ઝુંબેશ દરમ્યાન ખુલ્લી થયેલ જમીનો કાયમી માટે ખુલ્લી જ રહે તે ટ્રાફિક વ્યવસ્થા અને જાહેર સુખાકારી માટે આવશ્યક છે.
સાવરકુંડલા નગરપાલીકા વિસ્તારમાં આ ડીમોલીશન દરમ્યાન તોડી પાડવામાં આવેલ ઓટા ફરીથી બનાવનાર નદિબજાર ના બે વેપારીઓ પાસેથી ચિફ ઓફિસર દ્વારા જાતે સ્થળ ઉપર જઈ રૂ. ૧૦૦૦૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા એવી જાહેર નોટીસ પણ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે કે, ડીમોલીશન દરમ્યાન ખુલ્લી કરવામાં આવેલ જમીનો ઉપર કે સમગ્ર શહેર વિસ્તારની અંદર પોતાની માલિકી સિવાયની જમીનમાં કોઇપણ આસામીઓએ કેબીનો/પાલા મુકવા નહિ કે ફરીથી ઓટા, છાપરા બનાવવા નહી તેવી તાકીદ સહ સૂચના આપેલ.
આ સૂચનાનો ભંગ થયેથી નગરપાલિકા દ્વારા પ્રથમ રૂા. ૨૫,૦૦૦/- નો દંડ સ્થળ ઉપર વસુલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદ જરૂર જણાયે લેન્ડ ગ્રેબીંગ સહિતની પોલિસ ફરીયાદ દાખલ કરવાની ફરજ પડશે. જો આમ થશે તો તેના તમામ જાતના ખર્ચ અને પરિણામની જવાબદારી જે તે આસામીઓની અંગત રહેશે. આ પ્રકારે નગરપાલિકા દ્વારા જાહેર પ્રસિધ્ધિ પણ કરવામાં આવેલ છે. આમ નગરપાલિકા દ્વારા ખુલ્લી કરવામાં આવેલ જગ્યાઓ કાયમી ધોરણે ખુલ્લી જ રાખવાનો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવેલ છે.
Recent Comments