fbpx
ભાવનગર

મોટી પાણીયાળી કેન્દ્રવર્તી શાળાના આચાર્યનું વિશિષ્ટ સન્માન કરાયું  

પાલીતાણા તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી એસ.આર.ત્રિવેદી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડી.ડી.રામાનુજ દ્વારા મોટી પાણીયાળી કે.વ શાળાનાં આચાર્ય બી.એ.વાળાની વિશિષ્ટ અને ઉમદા કામગીરી બદલ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.બી.એ.વાળા એક એવા આચાર્ય છે જેઓએ પોતાના યુવાન મિત્રોની ટીમ સાથે જેસર તાલુકાના વિરપુર ડેમના ઊંડા પાણીમાં ડૂબી ગયેલ બે યુવાનોની ડેડબોડી રાત્રે બાર વાગ્યે શોધીને બહાર કાઢેલ અને તાજેતરમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા શેત્રુંજી ડેમમાં ડૂબી ગયેલ બે યુવાનોને શોધવાની કામગીરી રાત્રે એક વાગ્યા સુધી અને વહેલી સવારથી કરેલ અને બંને યુવાનોને ખુબ ઊંડા પાણી માંથી શોધીને બહાર કાઢેલ તેમજ આવી રીતે પાલીતાણા તાલુકા ઉપરાંત ગારીયાધાર,જેસર અને શિહોર તાલુકામાં પણ અનેક વખત આવી જોખમી સેવાની કામગીરી કરેલ છે અને એક સરકારી શાળાના આચાર્ય આવી જોખમી સેવા નિસ્વાર્થ ભાવથી કરે એ ખુબ જ સરાહનીય છે.

પોતાની શાળાના બાળકોને શાળા સિવાયના સમયે દરરોજ ચેકડેમમાં સ્વીમીંગ પ્રેકટીસ સાથે રહીને કરાવે છે જેના લીધે તેમની શાળાના બાળકો સમગ્ર ભાવનગર જિલ્લા કક્ષાની સ્વીમીંગ સ્પર્ધામાં વર્ષ ૨૦૧૮ થી દર વર્ષે સૌથી વધુ મેડલ મેળવે છે,છેલ્લે યોજાયેલ ખેલ મહાકુંભમાં તેમના વિધાર્થીઓએ જિલ્લા કક્ષાએ સૌથી વધુ ૨૬ મેડલ મેળવ્યા હતા આ ઉપરાંત જિલ્લા કક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં પણ દર વર્ષે તેમની ટીમ પ્રથમ કે બીજો નંબર મેળવે છે જ્યારે જિલ્લા કક્ષાએ જુડો સ્પર્ધામાં પણ છ થી સાત બાળકો મેડલ મેળવે છે અને જિલ્લા કક્ષાએ મેડલ મેળવી આ બાળકો રાજ્ય કક્ષાએ દર વર્ષે ભાગ લે છે તેમજ આ શાળાના બાળકોને દર વર્ષે એક લાખ કરતા વધુ રકમના રોકડ ઇનામ સીધા બેંક ખાતામાં મળે છે.આચાર્ય વાળા પોતે પણ ગુજરાત સચિવાલયની ટીમ માંથી અખિલ ભારતીય મુલ્કી સેવાઓની તરણ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લે છે.

તેમની શાળાના બાળકો સરકારશ્રી દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરિક્ષામા પણ ખુબ સારી સફળતા મેળવે છે જ્ઞાનસેતુ પરિક્ષામા ગયા વર્ષે ૨૫ બાળકોએ મેરીટમાં સ્થાન મેળવ્યું હતું,શાળાના કેમ્પસમાં કબડ્ડી,ખો-ખો,વોલીબોલ,બેડ મિન્ટન,હેન્ડબોલ,લાંબીકૂદ,ઉંચીકૂદ,ગોળાફેંક અને ચક્રફેંક એમ નવ રમતના નિયત માપ મુજબના સુંદર મેદાન પણ બનાવેલ છે અને રમતોની પ્રેકટીસ રીસેસ સમયે અને શાળા સમય બાદ કરાવવામાં આવે છે તેમની શાળામાં બાર માંથી દસ ડીજીટલ વર્ગ છે જે તમામ વાઇફાઇથી સજ્જ છે અને શાળા પરિસર સીસી ટીવી કેમેરાથી સજ્જ કરેલ છે.તેઓ પોતે પગારકેન્દ્ર શાળાના આચાર્ય તરીકેની તમામ કામગીરી નિયમિત અને સમયસર કરે છે તેમ છતાં આટલી વિશિષ્ટ અને નોંધપાત્ર કામગીરી કરે છે અને આ માટે તેઓ શાળા સમય કરતા પણ વધુ સમય આપીને ખુબ સુંદર કાર્યો કરી રહ્યા છે ત્યારે તેમનું સન્માન કરતા અમો હર્ષની લાગણી અનુભવીએ છીએ

Follow Me:

Related Posts