મહુવાના કાકીડી ગામે રામકથાની તૈયારી પૂરજોશમાં તમામ વ્યવસ્થાઓને અપાઈ રહેલો આખરી ઓપ
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કાકીડી ગામે આગામી 19 ઓક્ટોબરના રોજ શરૂ થનાર પૂજ્ય મોરારિબાપુના વ્યાસાસને ગવાનાર રામકથાની પૂર્વ તૈયારીઓ વેગવંતી છે. પૂજ્ય મોરારિબાપુના વ્યાસાસને કથા ક્રમના નંબરની રામકથા તલગાજરડાનું વાયુમંડળ એટલે કે તલગાજરડાની આસપાસ નો 15 કિલોમીટરનો વિસ્તાર કે જે વિસ્તારમાં કથાનું ગાન કરવાનું પૂજ્ય મોરારિબાપુના રાજીપાનું સરનામું બની જાય છે. તેથી છેલ્લાં ત્રણ વર્ષથી 2022 માં માનસ માતું ભવાની ભવાની મંદિર કથા, 2023 માં માનસ ભૂતનાથ વડલી કથા અને હવે 2024 માં કાકીડી ખાતે આ જ સમયગાળા દરમિયાન કથાનું આયોજન થઈ રહ્યું છે. કાકીડી ગામની કથા સ્થળ તરીકે પસંદગીમાં પૂજ્ય મોરારિબાપુના દાદાશ્રી અને એમના સદગુરુ ભગવાન પૂજ્ય ત્રિભુવનદાસ બાપુની કથા કર્મભૂમિનું તીર્થ સ્થાન છે. અહીં પુ. ત્રિભુવનદાસબાપુ વર્ષો સુધી રામજી મંદિરમાં કાકીડી ગામના ભાવિક ભક્તોને મહાભારતનું રસપૂર્ણ ગાન કરીને સંભળાવતા હતાં.તેથી આ પ્રસાદીક ગામ હોય તે રીતે ચિત્રકૂટ ધામ તલગાજરડા સાથે જોડાયેલું છે.
ગામના સ્થાનિક ભાવિક ભક્ત રાજુભાઈ કહે છે કે સમગ્ર ગામને આપણાં હિન્દુ ધર્મના ગેરુરંગથી શોભિત કરવામાં આવ્યું છે. ગ્રામજનો માની રહ્યા છે કે આ અમારા કોઈ નસીબના કારણે ગામને અવસર પ્રાપ્ત થયો છે. પૂજ્ય બાપુની કરુણા અમારા ગામ તરફ વરસે તે માટે અમે અમારા પૂર્વજોના સદભાગ્ય સમજીએ છીએ. કાકીડી ગામ મહુવાથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે.તલગાજરડા તરેડ થઈને કાકીડી પહોંચી શકાય છે. દિપાવલીના ઝગમગતા દિવસો પૂર્વે યોજાઇ રહેલો આ ઉત્સવ આસપાસના વિસ્તારોને પણ અજવાળી રહ્યો છે. આખા ગામમાં બધાં જ લોકોએ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સ્વેચ્છાએ ઉપાડી લીધી છે. 50 હજારથી પણ વધું શ્રોતાઓ કથા શ્રવણ કરી શકે તેવા એક વિશાળ ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે.એ જ રીતે ભોજન વ્યવસ્થા પણ સુદઢ રીતે ગોઠવાઈ છે..સ્વયંસેવકો તથા સરકારી તંત્ર પણ વ્યવસ્થામાં જોડાઈ ગયું છે.રસ્તાઓના નવીનીકરણ નું કામ ત્વરિત શરું થશે.
Recent Comments