સુરતની ૧૭ વર્ષીય હેત્વી શેઠ સંસારનો ત્યાગ કરી ૨૪મીએ પ્રવજ્યાના પંથે જશે

મૂળ સુરતની અને હાલ મુંબઇમાં રહેતી ૧૭ વર્ષની હેત્વી શેઠ મહાસુદ-૧૨, ૨૪મી ફેબ્રુઆરીના રોજ દીક્ષા લઇ સંસારનો ત્યાગ કરી પ્રવજ્યાના પંથે જશે. હેત્વી આ. જયાનંદ સૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં રાજસ્થાનના આહોર નગરમાં બીજા ચાર મુમુક્ષુઓની સાથે દીક્ષા લેશે. હેત્વીના નાના અમૃતભાઈ શાહે જણાવ્યું હતું કે, ૧૬મીએ તેઓ સુરતમાં હેત્વીનો વિદાય સમારંભ યોજાશે. હેત્વીના પિતા મિલનભાઈ શેઠ મૂળ થરાદના વતની છે અને વર્ષોથી સુરત ખાતે રહે છે. હાલ તેઓ મુંબઈમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. એમણે વધુમાં જણાવ્યું હતું કે, હેતવીએ માત્ર આઠ વર્ષની ઉંમરે ઉપધાન તપ કર્યા હતા.
તેણે ગુરુકુલમમા વ્યવહારિક ધોરણ નવ સુધીનો અભ્યાસ કર્યો છે. ગુરુકુલમ તેમજ માતા-પિતાના સંસ્કારને લીધે તે ફન, ફોન, ફ્લેટ અને ફિયાટ છોડી આ સંસારનો ત્યાગ કરવાનો ર્નિણય કર્યો છે. ઉપધાન તપ બાદથી તેણીએ દરરોજ ચોવિહાર તથા સામાયિક પ્રતિક્રમણ આદિ ક્રિયાઓ ચાલુ કરી હતી. ધીમે ધીમે સંસારનો મોહ ઓછો થતાં માતા-પિતાએ ત્રિસ્તુતિક આ.જયાનંદ સુરિશ્વરજી મ.સા.ના સુશિષ્યા સાધ્વી મુક્તિ પ્રજ્ઞાજી પાસે અભ્યાસ માટે મોકલી.
હેત્વીએ ત્યાં જ રહી વિહાર કરવાનું, સંથારા પર સુઇ રહેવાનું ચાલું કર્યું હતું.ધીમે ધીમે બે પ્રતિક્રમણ, ૫ પ્રતિક્રમણ, નવસ્મરણ, ૪ પ્રકરણ, ત્રણ ભાષ્ય, ૬ કર્મગ્રંથ, વિતરાગ સ્તોત્ર, વૈરાગ્યશતક અને યોગસારનો અભ્યાસ કર્યો. હેત્વીનો ઉત્સાહ જાેતા માતા-પિતાએ દીક્ષા લેવાની રજા આપી હતી. પિતા પણ છેલ્લા બે વર્ષથી ધંધો બંધ કરી પ્રભુભક્તિમાં લાગી ગયા છે.
Recent Comments