અરબી સમુદ્રમાં ભેજવાળા પવનો ફૂંકાતાં રાજ્યમાં માવઠું થવાની આગાહી
રાજ્યમાં ઠંડીની વિદાય થઈ રહી છે ત્યારે ફરીવાર ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગે માવઠું થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ‘અરબી સમુદ્ર તરફ ભેજવાળા પવન ફૂંકાતાં વિશેષ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ૧૯ ફેબ્રુઆરીના હળવો વરસાદ પડી શકે છે. રાજ્યમાં આ સિવાયના મોટા ભાગના હિસ્સામાં સૂકું વાતાવરણ રહેશે. આગામી બે દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. આ પછીના ૩ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં ૨-૩ ડીગ્રીનો વધારો થઇ શકે છે. ‘વરસાદની શક્યતાને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગત રાત્રિએ ૯ ડીગ્રી સાથે નલિયા ઠંડુંગાર રહ્યું હતું.
ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે. અમદાવાદમાં ૩૩.૫ ડીગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૩.૧ ડીગ્રીનો, જ્યારે ૧૫.૬ ડીગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૦.૯ ડીગ્રીનો વધારો થયો હતો. રાજ્યમાંથી અન્યત્ર ગાંધીનગરમાં ૧૪, દીવમાં ૧૬.૪, વડોદરા-સુરેન્દ્રનગરમાં ૧૬.૮, ભુજમાં ૧૭, ભાવનગરમાં ૧૯.૫, સુરતમાં ૧૯.૬ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે અને ગરમીમાં વધારો અનુભવાઇ રહ્યો છે. હાલ ઉત્તરપશ્ચિમ દિશાનો પવન છે. આગામી ૩-૪ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં ૩ ડીગ્રી સુધીનો વધારો થઇ શકે છે. ૨૧ ફેબ્રુઆરી સુધી અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળાં વાદળો ગુજરાતના કેટલાક ભાગોમાં આવવાથી માવઠું થવાની શક્યતા છે. વધુ ભેજવાળા વાદળો હશે તો વલસાડ, તાપી, સાપુતારા તેમજ પંચમહાલ, દાહોદ, મહીસાગર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે. અરવલ્લી, સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્ર વાતાવરણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. ૨૧થી ૨૩ ફેબ્રુઆરીમાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં હિમ વર્ષ અને કમોસમી વરસાદ થવાની શકયતા છે.
Recent Comments