fbpx
ગુજરાત

ગાંધીનગર પોલીસે દારૂના અડ્ડા પર રેડ પાડી ૯૦ બુટલેગરો સામે ગુનો દાખલ કર્યો

ગુજરાતના બોરવાળામાં લઠ્ઠાકાંડથી સમગ્ર રાજયમાં ચકચાર મચી ગઈ છે. આ લઠ્ઠાકાંડનાં પગલે સમગ્ર રાજ્યની પોલીસ દેશી દારૂના અડ્ડાઓ ઉપર રેડ કરી રહી છે. ત્યારે ગાંધીનગર પોલીસ પણ છેલ્લા પાંચ દિવસથી ધડાધડ દેશી દારૂના અડ્ડા પર રેડ કરી બુટલેગરો સામે પ્રોહીબીશનના ગુના નોંધી કડક કાર્યવાહી કરવા લાગી છે. લઠ્ઠાકાંડ સર્જાતા જ ગાંધીનગર અને કલોલ ડિવિઝનમાં ચાલતાં દેશી દારૂના અડ્ડાઓ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવાની બુટલેગરોને સૂચનાઓ આપી દેવાઈ હતી

તેમ છતાં ઘણાખરા બુટલેગરો દેશી દારૂ વેચવાની પ્રવૃતિઓ આચરી રહ્યા હોવાના પગલે ગાંધીનગર પોલીસ છેલ્લાં પાંચ દિવસથી ધડાધડ દરોડા પાડી રહી છે. ગાંધીનગર જિલ્લામાં પોલીસે કરેલી દેશી દારૂની રેડની આંકડાકીય માહિતી પર નજર કરીએ તો કલોલ ડિવિઝનમાં સમાવિષ્ટ કલોલ શહેર, કલોલ તાલુકા, અડાલજ, માણસા અને સાંતેજ પોલીસ દ્વારા દેશી દારૂની ૨૯ રેડ અંદાજીત ૯૦૦ લીટર દેશી દારૂ-વોશનો જથ્થો ઝડપી પાંચ બુટલેગરોની ધરપકડ કરી લેવાઈ છે. જ્યારે ૧૨ બુટલેગરો નાસી જવામાં સફળ રહ્યા છે.

આ જ પ્રમાણે ગાંધીનગર ડિવિઝનમાં સમાવિષ્ટ સેક્ટર – ૭, ઈન્ફોસિટી, સેક્ટર – ૨૧, પેથાપુર, ડભોડા, દહેગામ, રખીયાલ અને ચીલોડા પોલીસ દ્વારા છેલ્લા પાંચ દિવસમાં પ્રોહીબીશનની ૨૦૦ રેડ કરી એક હજાર લીટર દેશી દારૂ ગાળવાનો વોશ તેમજ ૨૨૦ લીટર દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે ૭૦ બુટલેગરોને પણ દબોચી લીધા હતા. જ્યારે ઇંગ્લિશ દારૂની ૧૦૦ બોટલો પણ જપ્ત કરાઈ છે.બોરવાળામાં લઠ્ઠાકાંડ સામે આવતા જ ગાંધીનગર જિલ્લા પોલીસે દેશી દારૂની હાટડીઓ ઉપર તવાઈ બોલાવી છે. છેલ્લા પાંચેક દિવસમાં પોલીસે અલગ-અલગ જગ્યાએ ૨૩૦ રેડ કરીને ૨૨૦૦ લીટર દેશી દારૂ – વોશ ઝડપી પાડી ૯૦ બુટલેગરો સામે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. જે પૈકી ગાંધીનગર ડિવિઝનમાં સૌથી વધુ દેશી દારૂની ૨૦૦ રેડ કરીને ૭૦ બુટલેગરો ઝડપી પાડવામાં આવ્યાં છે.

Follow Me:

Related Posts