fbpx
ગુજરાત

લોકસભા ચૂંટણી નજીક, ભાજપમાં ઉમેદવારોની જાહેરાત પછી અસંતોષનો રાફડો ફાટ્યો

ગુજરાત ભાજપનો મજબૂત ગઢ ગણાય છે. એટલું જ નહીં ગુજરાત બહાર દેશભરમાં ગુજરાત મોડલની ચર્ચાઓ પણ થતી રહે છે. ત્યારે આવામાં ત્રણ દાયકાથી ભાજપનો ગઢ રહેલા ગુજરાતમાં શિદ્ધબદ્ધ પાર્ટી તરીકે પંકાયેલી બીજેપી માટે એક પછી એક પડકારો ઊભા થઈ રહ્યા છે. ૨૦૧૭ની ચૂંટણીને બાજુ પર મૂકીએ તો તે પહેલા ભાજપને આવો પડકાર મળ્યો નથી. પાટીદાર અનામત આંદોલનના કારણે ૨૦૧૭માં ભાજપ માટે મોટો પડકાર બન્યો હતો અને પાર્ટી ૯૯ બેઠકો પર સમેટાઈ હતી. ગુજરાતમાં ભાજપની મજબૂત સ્થિતિનો શ્રેય તેની સંગઠન ક્ષમતાને અપાય છે પરંતુ હવે જ્યારે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી નજીક છે અને પાર્ટીએ ઉમેદવારોની જાહેરાત કરી તે પછી તો જાણે અસંતોષનો રાફડો ફાટી રહ્યો છે. પાર્ટીના જૂના જાેગીઓને પાર્ટીમાં જે રીતે કોંગ્રેસી નેતાઓની આવભગત થઈ રહી છે તેના પર ચિંતાનું મોજું ફરી વળતું દેખાય છે. તાજેતરમાં અનેક કોંગ્રેસી નેતાઓ ભાજપ તરફ વળ્યા.

એવા પણ રિપોર્ટ્‌સ છે કે વડોદરામાં તો પાર્ટીના એક કાર્યકરે કાયદેસર રીતે ભાજપ (શ્યામાપ્રસાદ મુખરજી) નામથી એક પાર્ટી ઊભી કરવાની તૈયારી પણ કરેલી છે. અત્રે જણાવવાનું કે લોકસભા ચૂંટણી પહેલા ઓપરેશન લોટસ હેઠળ ભાજપનો જે ભરતી મેળો થયો તેમાં કોંગ્રેસ અને આપના લગભગ ૫ હજારથી વધુ નેતાઓ પક્ષમાં જાેડાયા હતા. ત્યારે એ જાણવું પણ જરૂરી બને કે શું આવા ભરતીમેળાથી પાર્ટીમાં અસંતોષ વધી રહ્યો છે? જે રીતે બીજી પાર્ટીમાં આવતા લોકોને પાર્ટીમાં ભાવ મળી રહ્યો છે તેનાથી પાર્ટીમાં મન દઈ સેવા કરનારા કાર્યકરો જાણે નારાજ જાેવા મળી રહ્યા હોય તેવું લાગે છે. શિસ્તબદ્ધ પાર્ટીમાં કાર્યવાહી પણ આકરી થવાના ડરે કોઈ ખુલીને તો ન બોલે પરંતુ આંતરપીડા જાણે વધી રહી છે. જેના પગલે સાબરકાંઠામાં લોકસભા ઉમેદવાર બદલવા છતાં વિરોધ યથાવત જાેવા મળી રહ્યું છે. વિરોધ પાછળ મૂળ કારણ એ પણ છે કે ગુજરાતમાં ચૂંટણીની બરાબર પહેલા જ કોંગ્રેસમાંથી ભાજપમાં જાેડાનારા પૂર્વ વિધાયકની પત્નીને ઉમેદવાર બનાવી દેવાયા છે.

બીજી બાજુ અમરેલી, વલસાડ, જૂનાગઢ, રાજકોટમાં વિરોધ સતત ચાલુ છે પરંતુ કારણો અલગ અલગ છે. મળતી માહિતી મુજબ લગભગ અડધો ડઝન બેઠકો પર અસંતોષ હોવાનું સામે આવ્યું છે. ક્યાંક સમુદાયને પ્રતિનિધિત્વ નથી મળ્યું તો ક્યાંક એવો આરોપ લગાવાયા છે કે જમીનસ્તરના કાર્યકરોની અવગણના કરીને જૂનિયર જેવા લોકોને ટિકિટ અપાઈ છે. ગુજરાત એ ભાજપનો ગઢ છે અને હાલમાં થયેલા ઓપિનિયન પોલ, સર્વેમાં ત્રીજીવાર ભાજપ રાજ્યમાં ક્લિનસ્વીપ કરે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે ત્યારે આવામાં પણ ગુજરાતમાં જાણે કાર્યકરો ભયંકર દબાણ હેઠળ જાેવા મળી રહ્યા છે.

ગત લોકસભા ચૂંટણીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ પોતે નવસારી બેઠકથી સૌથી વધુ લીડથી જીતી આવ્યા હતા અને હવે પાટિલે ગુજરાતની તમામ બેઠકો પર પાંચ લાખથી વધુ બહુમતીથી જીતવાનો લક્ષ્યાંક પણ મૂકી દીધો છે. એટલું જ નહીં આ માટે એવી કડક કામગીરી પણ આરંભી છે. ભાજપે આ લોકસભામાં ૫ લાખની લીડથી જીતવું હોય તો તમામ બુથો પર લીડ મેળવવી એ જરૂરી છે. ભાજપ સારી રીતે જાણે છે કે ગુજરાતમાં ૧૫ હજાર બુથો માઈનસમાં ચાલે છે. સીઆર પાટીલને ટેન્શન છે કે આ બુથો માઈનસ રહ્યાં તો ભાજપના મિશનને ઝટકો પડશે એટલે આ બુથોને પ્લસ કરવાની જવાબદારી સીધી ધારાસભ્યો પર ઢોળી દીધી છે. ત્યારે કાર્યકરો પર જવાબદારી ઘણી વધી જાય છે. એક અંદાજા મુજબ ૨૦૦૨ બાદ ગુજરાતમાં કોંગ્રેસના ૨૧૦ જેટલા નેતાઓ ભાજપમાં જાેડાયા. આમાંથી અનેક નેતાઓ એવા પણ હતા જે કોંગ્રેસના મોટા પદો પર હતા. કેટલાક સાંસદ અને ધારાસભ્ય પણ હતા.

ત્યારે મહત્વનું એ બને છે કે આટ આટલી ભરતી થાય છે પરંતુ ભાજપના પોતાના સંગઠનમાં જે મહત્વના પદો ખાલી પડ્યા છે ત્યાં કોઈ નથી. સી આર પાટિલ જ્યારે પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા ત્યારે ટીમમાં ચાર મહાસચિવ નિયુક્ત કર્યા હતા. આવામાં હવે જ્યારે ચૂંટણી નજીક છે તો બે જ મહાસચિવ કાર્યરત છે. જેમાં રજની પટેલ અને વિનોદ ચાવડા સામેલ છે. વિનોદ ચાવડા કચ્છથી લોકસભા લડી રહ્યા છે અને કચ્છ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે ત્યારે તેમના માટે જનસંપર્ક પણ એક મોટો પડકાર છે. અત્રે જણાવવાનું કે પ્રદીપસિંહ વાઘેલા અને ભાર્ગવ ભટ્ટના રાજીનામા બાદ આ પદો પર નિયુક્તિ થઈ નથી. જેને લઈને પાર્ટીમાં છૂપો અસંતોષ પણ છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના કારણે પાર્ટી નેતાઓ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે પરંતુ આખરે તો તેમની પણ પોતાની કેટલીક અપેક્ષાઓ છે. બીજી બાજુ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા જે રાજકોટ બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે

તેઓ પણ એક નિવેદનના પગલે ક્ષત્રિય સમાજનો વિરોધ ઝેલી રહ્યા છે. જૂનાગઢમાં પણ રાજેશ ચૂટાસમાને ઉમેદવારીમાંથી હટાવવાની માંગ પ્રબળ બની છે. આવું કદાચ ગુજરાતમાં પહેલીવાર બની રહ્યું છે કે પાર્ટીના નેતાઓનો ખુલ્લેઆમ વિરોધ થઈ રહ્યો છે. એક સમયે પોલીસની નોકરીમાં રહી ચૂકેલા સી આર પાટિલ કડક અનુશાસન માટે જાણીતા છે. તેઓ પોતે પાર્ટી તરફ જેવું સમર્પણ ધરાવે છે તેવું જ બીજા પ્રત્યેથી પણ અપેક્ષા રાખે છે. પરંતુ હાલ જે પ્રકારની સ્થિતિ જાેવા મળી તો તમામ વિવાદોમાં તેમણે હસ્તક્ષેપ કરવો પડ્યો. જેને જાેતા તેઓ પણ જાણે પ્રેશરમાં હોય તેવું પ્રતિત થાય છે. રૂપાલાના મુદ્દે તેમણે રાજકોટ અને સુરેન્દ્ર નગરની મુલાકાત લીધી હતી પરંતુ ક્ષત્રિય સમાજનો અસંતોષ અને નારાજગી દૂર થઈ શકી નહીં. ગુજરાતમાં સંગઠનની કમાન પાટિલ પાસે છે જ્યારે સરકારની કમાન ભૂપેન્દ્ર પટેલ પાસે છે. પરંતુ આ વિરોધની પરિસ્થિતિ વચ્ચે હવે બધાની નજર પીએમ મોદી અને અમિત શાહ પર ટકેલી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/