મહીસાગર, ખેડા જિલ્લાના પાંચ તાલુકાના ૧૨૫ ગામો અને ૮૧૦૦ હેક્ટર જમીનને સિંચાઈ સુવિધા પૂરી પાડનારા રૂ. ૫૮૧ કરોડના ખર્ચે નિર્માણાધીન લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટની નિરીક્ષણ મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સિંચાઈ, રોડરસ્તા, પાણી પુરવઠા, જેવા અગત્યના પ્રગતિ હેઠળના વિવિધ પ્રોજેક્ટ્સની સાઈટ વિઝિટ કરીને કામોની ગુણવત્તા-ચકાસણી, કામગીરીની પ્રગતિ અને સમગ્ર પ્રોજેક્ટ્સની તલસ્પર્શી વિગતો મેળવવાનો નવતર અભિગમ અપનાવ્યો છે.
આ અભિગમને આગળ ધપાવતા મુખ્યમંત્રીશ્રી શનિવારે મહિસાગર અને ખેડા જિલ્લાના ૫૮૧ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન ઉદવહન સિંચાઈ-લિફ્ટ ઇરિગેશન પાઈપલાઈન પ્રોજેક્ટની નિરીક્ષણ મુલાકાતે પહોંચ્યા હતા. આ લિફ્ટ ઈરિગેશન પાઈપલાઈન પ્રોજેક્ટ મધ્ય ગુજરાતના ખેડા અને મહિસાગર જિલ્લાના ૧૨૫ ગામોને સિંચાઈ સુવિધા પૂરી પાડશે.
ખેડા જિલ્લાના કપડવંજ, કઠલાલ, ગળતેશ્વર અને ઠાસરા તથા મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના કુલ મળીને ૧૨૫ ગામો લાંબા સમયથી સિંચાઈ સુવિધાથી વંચિત રહેલા હતાં. આ ગામોને વણાક બોરી વિયરની ઉપરવાસના ભાગેથી મહિ નદીનું પાણી ઉદવહન કરીને સિંચાઈ સવલતો આપવા નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે રૂ. ૫૮૧ કરોડના અંદાજિત ખર્ચે આ યોજના હાથ ધરી છે.
આ ઉદવહન સિંચાઈ યોજના દ્વારા ૧૨૫ ગામોના ૧૩૩ તળાવો તથા એક નદીમાં મહિ નદીનું પાણી પહોંચાડીને ૮૧૦૦ હેક્ટર કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ સુવિધા પુરી પાડવાનો હેતુ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ લીફ્ટ ઈરીગેશન પાઈપલાઈન પ્રોજેક્ટની પ્રગતિનું નિરીક્ષણ કરવા સાથે બાલાસિનોરના રૈયોલી ખાતે નિર્માણાધીન ૪૦ લાખ લિટરની ક્ષમતાનાં સંપ તેમજ સ્જી પાઈપલાઈનની કામગીરી પણ નિહાળી હતી. મુખ્યમંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓ અને ઇજનેરો તથા સાંસદ અને ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ સાથે આ સંદર્ભમાં બેઠક યોજીને વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી. તેમણે આ બધા જ કામોની ગુણવત્તા જાળવણી સાથોસાથ નિર્ધારીત સમય મર્યાદામાં એટલે કે ૨૦૨૭ સુધીમાં સમગ્ર યોજના પૂર્ણ થાય તે માટે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી સાથે આ નિરીક્ષણ મુલાકાત વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ, પંચમહાલના સાંસદશ્રી રાજપાલસિંહ જાદવ, પંચમહાલના પૂર્વ સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ, બાલાસિનોરના ધારાસભ્યશ્રી માનસિંહ ચૌહાણ, જળ સંપત્તિ વિભાગ સેક્રેટરી શ્રી કે. બી રાબડીયા, મધ્યગુજરાત ચીફ એન્જિનિયર અને અધિક સચિવશ્રી એમ. ડી. પટેલ, જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી. એલ. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સહિતના વરિષ્ઠ અધિકારીશ્રીઓ જાેડાયા હતાં.
Recent Comments