fbpx
ગુજરાત

અમરેલીમાં એક કારને ‘સમાધિ અપાઈની ઘટના સામે આવી

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ગામની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. પાડરશિંગા નામના ગામમાં એક એવો અવસર યોજાયો કે જે આજ પહેલાં ક્યાંય યોજાયો ન હતો. એક કારને “દુલ્હન”ની જેમ શણગારવામાં આવી. બાદમાં આ કારની ઢોલ નગારાના તાલ સાથે ધૂમધામથી સમાધિ અપાવીને ૧૨ ફૂટ ઊંડા ખાડામાં વિદાય આપી દેવામાં આવી. કારના માલિકે તેમની “વ્હાલસોયી” કારની વિદાય શાસ્ત્રોક્ત પૂજા-વિધિ દ્વારા કરી. વિદાય આપતા પહેલા કારને એવી શણગારમાં આવી કે દ્રશ્ય જાેઈને પ્રથમ નજરે તો એમ જ લાગે કે કાર નવી ખરીદી હશે.

પણ આ કારને “સમાધિ” માટે સજ્જ કરાઈ હતી. સમાધિ માટે આજ સુધી આપણે સંતો, મહંતોની કે પછી કોઈ કલ્યાણકારી જીવની જ સમાધિ વિશે સાંભળ્યું છે. પરંતુ, પાડરશિંગામાં તો એક કારને સમાધિ આપવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. ઢોલ-નગારા સાથે ગામમાં “કાર”નું ફૂલેકું પણ નીકાળવામાં આવ્યું. તેમાં ગ્રામજનો સહિત આમંત્રિત મહેમાનો પણ જાેડાયા હતા. ડ્ઢત્નના તાલે રાસની રમઝટ પણ જામી. પણ સવાલ થાય કે આખરે એક કારને “સમાધિ” શા માટે અપાઈ રહી છે. તો તેની પાછળની સ્ટોરી એટલી જ રસપ્રદ છે. પાડરશિંગા ગામના ખેડૂત સંજય પોલરાએ વર્ષ ૨૦૧૪ આ ફોર વ્હીલર ખરીદી હતી. તેમનું કહેવું છે કે આ કાર ખરીદ્યા બાદ તેમની ખૂબ પ્રગતિ થઈ અને સમાજમાં પદ-પ્રતિષ્ઠા વધ્યા. કાર હવે જૂની થઈ ચુકી છે. પણ જેની સાથે લાગણીનો નાતો બંધાઈ ગયો છે તેવી કારને વેચવાનું મન ન થયું. જે પછી કાર માલિકને આ કારની “સમાધિ”નો વિચાર આવ્યો.

કારને વાજતે-ગાજતે તેના માલિકની વાડીએ લઈ જવામાં આવી હતી. જ્યાં પહેલેથી જ ૧૨ ફૂટ ઊંડો ખાડો તૈયાર રખાયો હતો. કારને તે ખાડામાં લઈ જવામાં આવી અને જેમ સમાધિ પહેલાં લોકો પુષ્પ વરસાવતા હોય છે તેમ કારની સમાધિ પહેલાં તેના ઉપર પણ પુષ્પ વરસાવાયા. તમને નવાઈ લાગશે પરંતુ, આ કારની સમાધિ પહેલાં લોકોને કંકોત્રીથી આમંત્રણ પણ અપાયા હતા. અમદાવાદ, સુરતથી પણ સ્નેહિજનો આ સમાધિને નિહાળવા અહીં ઉમટ્યા હતા. સૌને આ અનોખી સમાધિ નિહાળીને આશ્ચર્ય થયું હતું. આ ભવ્ય કાર્યક્રમ પાછળ લગભગ ચારેક લાખનો તો ખર્ચ કરાયો અને ગામમાં પંદરસો માણસોના જમણવારનું પણ આયોજન કરાયું. જૂની કારને વેચવાને બદલે કે ભંગારમાં આપવાને બદલે સંજય પોલરાએ કંઈક નોખું જ કર્યું છે. હવે આ કારના સમાધિ સ્થળ પર વૃક્ષ પણ રોપવામાં આવશે. જેથી તે મોટું થાય અને કારની યાદગીરી પણ અકબંધ રહે. એક વ્યક્તિનો કાર સાથેનો આ ઋણાનુબંધ હાલ તો ચર્ચાનો વિષય બન્યો છે.

Follow Me:

Related Posts