fbpx
ગુજરાત

અવધિ પૂરા થવાને બેજ દિવસ બાકી, પછી મનપા દ્વારા વેપારીઓ સામે સીલિંગ ઝુંબેશ શરૂ

ગાંધીનગરમાં વર્ષોથી દુકાનનું ભાડું નહીં ભરનાર વેપારીઓ સામે સીલિંગ ઝુંબેશ હાથ ધરાશે ભાડું વર્ષોથી નહીં ભરનાર ૬૩૯ વેપારીઓને દિવાળી પહેલા નોટિસો ફટકારી ૧૦ મી નવેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપી ભાડું ભરી દેવા સૂચનાઓ આપવામાં આવી હતી ગાંધીનગરમાં માઈક્રોશોપિંગ, દુકાનો, લારી, પ્લોટ વગેરેનું ટોકનદરે ભાડું વર્ષોથી નહીં ભરનાર ૬૩૯ વેપારીઓને દિવાળી પહેલા નોટિસો ફટકારી ૧૦ મી નવેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપી ભાડું ભરી દેવા સૂચનાઓ આપવામાં આવી હતી. જે અવધિ પૂરા થવાને બેજ દિવસ બાકી રહ્યા છે. ત્યારે સોમવારથી કોર્પોરેશન તંત્ર દ્વારા બાકીદારો સામે સીલિંગ ઝુંબેશ શરૂ કરવાનો તખ્તો ગોઠવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ગાંધીનગરમાં સરકારી જમીન પર નજીવા ભાડાથી વેપાર કરવાની પરવાનગી અપાય છે. મોંઘવારીના આ સમયમાં પણ સેકટર-૨૧ શાક માર્કેટના ઓટલાનું વાર્ષિક ભાડું માત્ર રૂ.૧૭૦૦-૧૮૦૦ જેટલું છે. આમ છતાં ૧૧૦ ઓટલાનું ભાડું ૮-૧૦ વર્ષથી ભરાયું નથી. જેના કારણે કુલ રૂ.૪૬,૮૫,૫૦૦ ભાડું વસૂલવાની બાકી છે. અગાઉ એસ્ટેટ શાખામાં નિયમિત ભાડું જમા કરાવવા વેપારીઓને તાકિદ કરાઈ હતી. આમ છતાં ઘણાં વેપારીઓએ છેલ્લા ૮-૧૦ વર્ષોથી ભાડું ભર્યું નથી. જેના કારણે બાકી ભાડાંની રકમ કરોડો રૂપિયામાં પહોંચી છે. ૧૮ ઓક્ટોબરે નાયબ મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને વેપારીઓ સાથે મીટિંગ રાખવામાં આવી હતી. ૧૦ નવેમ્બર સુધીમાં વેપારીઓ બાકી ભાડું ન ભરે તો તેમની સામે માઇક્રોશોપીંગ/ દુકાનો સીલ કરવાની ચીમકી આ મીટિંગમાં અપાઈ હતી.

ગાંધીનગરમાં સેકટર-૨૧માં શાક માર્કેટ માટે ઓટલાની ફાળવણી બાદ ૧૯૯૫-૯૬ના વર્ષથી ભાડું લેવાની શરૂઆત થઈ હતી. તે સમયે એક ઓટલાનું ભાડું માત્ર રૂ.૧૯૦ હતું. આ ભાડમાં દર વર્ષે ૧૦ ટકા વધારો થતો હોવા છતાં વાર્ષિક ભાડું હાલ માત્ર રૂ.૧૭૦૦-૧૮૦૦ જેટલું છે. આમ છતાં ૧૧૦ ઓટલાનું કુલ રૂ.૪૬,૮૫,૫૦૦ ભાડું બાકી છે. વર્ષોથી પડતર ભાડાની વસૂલાત માટે એસ્ટેટ શાખા દ્વારા દિવાળી પહેલા નોટિસો આપવામાં આવી છે. એજ રીતે સેકટર-૧૦ મીના બજારના માઈક્રોશોપિંગમાં કુલ ૧૩૫ વેપારીઓએ ભાડું ચૂકવ્યું નથી.

જેના કારણે બાકી ભાડાની રકમ વધીને રૂ.૭૮,૪૦,૫૭૨ થઈ છે. સેકટર-૨૧માં ૧૨૧ લારી પ્લોટ પાસેથી રૂ.૧,૨૭,૩૯,૫૦૦ લેણાં નીકળે છે. માઈક્રોશોપિંગ તથા લારી પ્લોટનું માસિક ભાડું રૂ.૧૫૦૦થી ૨૦૦૦ની વચ્ચે છે. તેમ છતાં ભાડું ભરવામાં વેપારીઓ વર્ષોથી ઠાગા-ઠૈયા કરતા આવ્યા છે. જેનાં પગલે દિવાળી પહેલા બાકીદારો નોટિસો આપી છેલ્લી તક આપવામાં આવી હતી. તંત્ર દ્વારા છસ્સોથી વધુ વેપારીઓ પાસેથી રૂ. ૫.૫૦ કરોડ જેટલી ભાડાની વસુલાત માટે ૧૦ મી નવેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. અને રૂબરૂ જઈને પણ વેપારીઓને તાકીદ કરાઈ હતી. હવે છેલ્લી મુદતને બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે સોમવારથી મનપા તંત્ર દ્વારા વેપારીઓ સામે સીલિંગનું હથિયાર ઉઠાવવામાં આવશે.

Follow Me:

Related Posts