fbpx
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશના ઉજ્જૈનની રહેવાસી નિકિતા પોરવાલે ફેમિના મિસ ઈન્ડિયા ૨૦૨૪નો ખિતાબ જીત્યો

મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરની રહેવાસી નિકિતા પોરવાલે ફેમિના મિસ ઈન્ડિયા ૨૦૨૪નો ખિતાબ જીત્યો છે. આ ઇવેન્ટ ફેમિના મિસ ઇન્ડિયા સ્પર્ધાની ૬૦મી આવૃત્તિ હતી. ૧૬ ઓક્ટોબરે મુંબઈમાં ફેમિના મિસ ઈન્ડિયા ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિલ્હી સહિત વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૩૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. નિકિતા પોરવાલે માત્ર ૧૮ વર્ષની ઉંમરે હોસ્ટ તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી.

નિકિતાએ પણ ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી છે. તેના પરિવાર વિશે વાત કરીએ તો નિકિતાના પિતા અશોક પોરવાલ પેટ્રો-કેમિકલ બિઝનેસમેન છે. અભિનય સિવાય તેને પુસ્તકો વાંચવાનો, લેખનનો, પેઇન્ટિંગનો અને ફિલ્મો જાેવાનો શોખ છે. નિકિતા પોરવાલના શિક્ષણ વિશે વાત કરીએ તો તેણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. તેણે બેચલર ઓફ પરફોર્મિંગનો અભ્યાસ કર્યો છે, જેમાં તેની વિશેષતા ડ્રામા રહી છે. થોડાં મહિના પહેલા તેની ફિલ્મ ‘ચંબલ પાર’નું ટ્રેલર રિલીઝ થયું હતું, જે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં છે.

નિકિતાના લેખન વિશે વાત કરીએ તો તેણે માત્ર એક નહીં પરંતુ ઘણા નાટકો લખ્યા છે. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંનેનો સમાવેશ થાય છે. તેમણે કૃષ્ણલીલા પણ લખી છે, જે ૨૫૦ પાનાની છે. નિકિતા વર્ષ ૨૦૨૬માં યોજાનારી મિસ વર્લ્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ૧૯૯૪માં ઐશ્વર્યા રાય, ૧૯૯૭માં ડાયના હેડન, ૧૯૯૯માં યુક્તા મુખી, ૨૦૦૦માં પ્રિયંકા ચોપરા અને ૨૦૧૭માં માનુષી છિલ્લર પછી દેશ નવા મિસ વર્લ્ડ એવોર્ડની રાહ જાેઈ રહ્યો હતો. ફેમિના મિસ ઈન્ડિયા ૨૦૨૪ ની રનર-અપ વિશે વાત કરીએ તો પ્રથમ રનર અપ રેખા પાંડે અને બીજી રનર અપ આયુષી ધોળકિયા હતી. રેખા પાંડે દાદરા અને નગર હવેલી અને આયુષી ધોળકિયા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. નિકિતાને ફેમિના મિસ ઈન્ડિયા ૨૦૨૩ની વિજેતા નંદિની ગુપ્તાએ તાજ પહેરાવ્યો હતો અને નેહા ધૂપિયાએ તેને મિસ ઈન્ડિયાનો ખિતાબ આપ્યો હતો.

Follow Me:

Related Posts