ભાજપના નેતાએ ચપટી વગાડીને રેશ્મા પટેલને કહ્યું, ‘એય, તું હાલતી થા…..’, વિવાદ
આગામી ૨૧મી ફેબ્રુઆરીએ યોજાનારી ૬ કોર્પોરેશનની ચૂંટણી માટે આજે ભાજપ દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવી રહ્યા છે. રાજકોટમાં પણ ભાજપના ઉમેદવારો આગેવાનો સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. જાેકે, રાજકોટમાં ઉમેદવારના ફોર્મ ભરવાના મામલે એનસીપીના નેતા રેશમા પટેલ અને ભાજપના નેતા ઉદય કાનગડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી. ઉદય કાનગડે બબાલ થતાં રેશ્મા પટેલને ‘એય, તું હાલતી થા…..’ એમ કહ્યું હતું. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બબાલ ન અટકતા પોલીસ બોલાવવી પડી હતી. મહિલા પોલીસ એનસીપીના નેતા રેશ્મા પટેલને હાથ પકડીને બહાર લઈ ગઈ હતી. રેશ્મા પટેલે આ અંગે આક્ષેપ લગાવ્યો હતો કે, હું મારી પાર્ટીની અધિકૃત વ્યક્તિ છું. મારે મેન્ડેટને લઈને અધિકારી સાથે બે મિનિટ વાત કરવી હતી.
એમણે મારા કેન્ડિડેટને બહાર મોકલ્યા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ફોર્મ ભરાવા દેવામાં આવે છે. એનસીપી વિરોધપક્ષ છે, તો એને સત્તાપક્ષ દ્વારા થતી ગુંડાશાહી સહન કરવાની. તેમણે ભાજપના નેતાએ તેમને તુંકારો આપ્યો હોવાનું પણ જણાવ્યું હતું. તેમજ ગાળાગાળી કરી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. તેમજ સત્તાનો દૂરુપયોગ કરી મને ધક્કામૂકી કરીને બહાર ખસેડવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ પ્રાંત અધિકારી મોઢામાં મગ ભરીને બેઠા હતા. ભાજપના નેતા ઉદય કાનગડે જણાવ્યું હતું કે, એક પ્રોસિઝર હોય છે કે, ચાર ઉમેદવાર અને ચાર ટેકેદાર એમની જ્યારે પ્રોસિઝર હાલતી હોય ત્યારે બીજા કોઈ લોકોએ વચ્ચે આવી અને જે કંઇ પ્રક્રિયા ચાલતી હોય એમાં ડિસ્ટર્બ ન કરવું જાેઇએ.
રેશ્માબેન પટેલ એની પોતાની આદત પ્રમાણે સાત-આઠ લોકોને લઈ સીધા અંદર ઘૂસી ગયા અને મેન્ડેટને લઈ અધિકારી સાથે ઝઘડો કરવા લાગ્યા. એટલે અમે કીધું કે, અત્યારે અમારી જે કંઈ પ્રોસિઝર ચાલું છે કારણ કે મેન્ડેટ તો સાંજે આપતા હોય છે અત્યારે ફોર્મ ભરવાની પ્રોસિઝર ચાલે છે, તો એમાં તમે ડિસ્ટર્બ ન કરો. એમણે એની આદત પ્રમાણે મીડિયાને જાેઇ અને રાજકોટમાં પોતાની હાજરી પુરાવા, એની આ આદત રહી છે. ખોટા આવા નાટક કરી, ત્રાટક કરી અને લાઇમ લાઇટમાં રહેવા માટેના આ હવાતિયા છે. બીજું કાંઇ નથી. અહીં એનસીપીનું કોઈ અસ્તિત્વ નથી. લોકશાહીમાં એને પણ અધિકાર છે, પણ પ્રોસિઝર ચાલતી હોય ત્યારે વચ્ચે ડિસ્ટર્બ કરી અધિકારીઓને દબાવી, દાદાગીરી કરી અને મીડિયા સામે હોય ત્યારે એને માતાજી આવતા હોય તેમ ધૂણવા મંડે અને આવા ખોટા ત્રાટક કરીને લાઇમ લાઇટમાં રહેવાના પ્રયાસ છે.
Recent Comments