પૃથ્વીના પરિભ્રમણની ગતિને આસાનીથી સમજાવતી મોરબીના શિક્ષકની કૃતિને મળ્યું અદકેરું સ્થાન
વિજ્ઞાનના નિયમોને સરળ રીતે સમજાવવા હોય તો તેને લોકભોગ્ય પ્રયોગ થકી સમજાવવામાં આવે તો બાળકોને અને જેમને રસ હોય તેઓ આસાનીથી આ બાબત સમજી શકે અને જીવનભર યાદ રહી જાય છે. મોરબીના એક શિક્ષક કે જેઓ સતત નવું નવું પ્રેરણાત્મક કામ કરતા રહે છે તેમણે બનાવેલી અને કોઇ પણ આધાર વિના ફરતી પેન્સિલની કૃતિ હવે રાષ્ટ્રીય કક્ષાએ ઝળકી છે. આ પ્રયોગ થકી પૃથ્વીની પરિભ્રમણ ગતિ વિશે સરળતાથી સમજાવી શકાય છે. આમાં કોઇ જાદુ નથી. પરંતુ ઉત્તર અને દક્ષિણ ધ્રુવની ચુંબકીય અસરનો વૈજ્ઞાનિક સિદ્ધાંત છે. મોરબીના એક પ્રાથમિક શાળાના શિક્ષકે બનાવેલી આ કૃતિ રાષ્ટ્રીય લેવલે પસંદગી પામી છે.
મોરબીના અભારા વાડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા વિજયભાઈ દલસાણીયા દરરોજ અવનવી કૃતિ બનાવે છે. જેમાંથી એક કૃતિ ‘ફરતી પેન્સિલ’ નેશનલ લેવલે પસંદગી પામી છે. આ શિક્ષકે ૩ કલાકમાં જ આ કૃતિ બનાવી છે. એમ.એ., બી.એડ, એમ.ફિલ થયેલા આ શિક્ષક બાળકોમાં જીજ્ઞાસાવૃત્તિ, વિચાર શક્તિ, તર્કશક્તિ અને કલ્પનાશક્તિ ખીલે તે હેતુથી આવી કૃતિઓ બનાવતા રહે છે. અત્યાર સુધીમાં ૮૦૦થી વધુ કૃતિઓ બનાવી છે. જે વિજ્ઞાનના સરળ અને મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત રહે છે. રમકડાં સ્પર્ધા થકી શ્રેષ્ઠ કૃતિઓના રમકડા સરકાર જ બનાવે અને ચીનથી રમકડાઓ ન લાવવા પડે તથા જેના થકી બાળકોમાં શિક્ષણ પ્રત્યે અભિરુચિ કેળવાય તે હેતુ છે. વિજયભાઈ દલસાણીયા છેલ્લા ત્રણ વર્ષથી રિસેસ લેતા નથી અને એ સમયમાં વિવિધ કૃતિઓ બનાવે છે.
જેમાં વિજ્ઞાનના પ્રયોગો, રમકડા, ચિત્રકામ, વેસ્ટમાંથી બેસ્ટ અને કાગળ કામ કરવામાં આવે છે. પહેલા ત્રણ-ચાર બાળકો રીસેસમાં ન જતાં આ પ્રવૃત્તિઓમાં જાેડાતા હતા. આજે ૬૦ જેટલા વિદ્યાર્થીઓ રીસેસમાં ન જતા રીસેસને વિશેષ બનાવે છે. આ ઈનીશીએટીવ રાજ્યકક્ષાએ પસંદગી પામ્યું છે. આ ઉપરાંત આ શિક્ષક જીપીએસીસીના વર્ગો, શિક્ષકોને તાલીમ, શિક્ષણમાં ક્રિયાત્મક સંશોધનનો જેવી સેવાઓ પણ આપે છે.
Recent Comments