રામનું નામ ભજતાં મૂળીના મુસ્લિમ યુવાને હનુમાનજીની ૩૫ હજારથી વધુ મૂર્તિ ભેટ આપી
મૂળીનાં ભીંડીપા વિસ્તારમાં રહેતા અને અનાજ દળવાની ધંટી ચલાવતા મુસ્લિમ યુવાન કોમી એકતાનું અનોખુ ઉદાહરણ પુરૂ પાડી રહ્યો છે. મોરારિ બાપુની કથા સાંભળ્યા બાદ તેમાંથી પ્રેણા મળતાં આ યુવાને છેલ્લા ૫ વર્ષમાં ૩૫ હજારથી વધુ હનુમાનજીની મુર્તિ, સ્ટીકર લોકોને નિઃશુલ્ક ભેટ આપી છે. આ માટે ફેબ્રુઆરી મહિનામાં સુરત ખાતે યોજાયેલા ગુજરાત બુક ઓફ રેકોર્ડસ દ્વારા પ્રમાણપત્ર અને શિલ્ડ સાથે સન્માનિત કરવામાં આવ્યો હતો. હાલનાં સમયમાં કોમ કોમ વચ્ચે ઝધડાનાં બનાવો ખુબજ વધી રહ્યા છે. ત્યારે મૂળીનો મુસ્લિમ યુવાન ‘એક બનો નેક બનો’નાં નારા સાથે હળમળીને રહેવા પ્રોત્સાહન આપી રહ્યો છે.
ભીંડીપા વિસ્તારમાં રહેતા ઇમરાનભાઇ ઉર્ફે રાજુભાઇ કગથરા મુસ્લિમ હોવા છતાં કોઇપણ જાતનાં સ્વાર્થ વગર રામ નામ ભજતા ભજતા ૫ વર્ષમાં ૩૫ હજારથી વધુ હનુમાનજીની મુર્તિ લોકોને ભેટ આપી ચુક્યા છે. આ મુસ્લીમ રાજુભાઇનાં પ્રેમ ભર્યા આદરથી પ્રખ્યાત કથાકાર મોરારી બાપુ પણ તેમનાં ધરની મુલાકાત લઇ વિસામો કરી ચુકયા છે. યુવાનની કામગીરીને બિરદાવવા સુરતમાં દર વર્ષે યોજાતા ગુજરાત બુક ઓફ રેકોર્ડસમાં તેમને સ્થાન આપી સન્માનિત કરાતા મૂળી સહિત સમગ્ર વિસ્તારનુ નામ રોશન કર્યુ છે.
આ અંગે ઇમરાનભાઇ કગથરા એ જણાવ્યું હતુ કે, હું તેમજ મારા સાથી મિત્ર હાર્દિકભાઇ વસવેલીયાનાં સહકારથી આ કાર્ય સિદ્ધ કર્યું છે. પરિવારનો સહકાર પણ પુરે પુરો મળે છે પરંતુ સામાજીક પ્રસંગોમાં કાયરેક કોઇનાં મેંણા ટોંણા પણ સાંભળવા પડે છે.પરંતુ સારા કાર્યો કરવાની ધાર્યુ હોવાથી તે સામાન્ય લાગે છે.આ ઉપરાંત લોકોડાઉન ચાલતુ હતુ ત્યારે રોજગારી બંધ હોવાથી અનેક પરિવારની દયનિય સ્થિત બની ગઇ હતી. ત્યારે રાજુભાઇ દ્વારા ૧૦૦થી વધુ પરિવારો, સંતોને કિટ આપી અનોખી સેવા બજાવી હતી.
Recent Comments