ધોરાજીમાં મહિલા ડ્રમરે પોતાના જ લગ્નમાં ડ્રમ વગાડતા સૌ આશ્ચર્યચકિત થયા
ધોરાજીની ગાર્વિન પટેલને ડ્રમ વગાડવાનો ભારે શોખ છે. આથી પોતાના જ લગ્નમાં દાંડિયારાસના કાર્યક્રમમાં ડ્રમ વગાડવા લાગી હતી. ગાર્વિનની જાન ઓસ્ટ્રેલિયાથી આવી હતી અને વરરાજાનું નામ દીપ છે. દીપ ગાર્વિનને છેલ્લા ૧ વર્ષથી ઓળખે છે. ગાર્વિનના ટેલેન્ટ વિશે બહુ ખ્યાલ ન હોઈ દીપ રીતસર ચોંકી ઉઠ્યો હતો અને પોતે પણ ઝુમવા લાગ્યો હતો. જ્યારે ગાર્વિનને દીપે ડ્રમ વગાડતા જાેઈ ત્યારે અચંબિત થઈ ગયો હતો. બાદમાં ગાર્વિન વિશે વધુ માહિતી મેળવી તો સૌરાષ્ટ્રની એકમાત્ર લેડી ડ્રમર અને દાંડિયા ક્વીન હોવાનું જાણવા મળતા ગૌરવ અનુભવ્યું હતું. ધોરાજીમાં રહેતી ગાર્વિન છેલ્લા ૨૦ વર્ષથી અર્વાચીન ગરબા રમે છે. તેણે ધોરાજી, જૂનાગઢ, જેતપુર, ગોંડલ, પોરબંદર અને રાજકોટમાં નવરાત્રિ દરમિયાન ૪૦૦થી વધુ ટ્રોફીઓ અને લાખોના ઈનામો મેળવેલા છે. ગાર્વિને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું મારી આવડતથી ગરબામાં પ્રથમ નંબર મેળવું છું.
છેલ્લા ૧૫ વર્ષથી હું રાજકોટ ગરબા રમવા જાવ છું. હું એક ડીજે પ્લેયર પણ છું અને મારી બહેન લિઝા પટેલ પણ ખૂબ જ સારી ડ્રમર છે. મને પણ ડ્રમ વગાડવાના શોખને કારણે રેગ્યુલર ડ્રમ વગાડી રહી છું અને મારા જ લગ્ન હોઈ તો ડ્રમ વગાડ્યા વિના કેમ રહી શકું? માટે મને ડ્રમ વગાડતા જાેઈને મારા પતિ દીપ અને તેનો પરિવાર અચરજ પામ્યો હતો. જીવનમાં દરેક સ્ત્રીએ પોતાના જે ટેલેન્ટ હોઈ તે બહાર લાવવું જાેઈએ અને ક્યારેય પણ હાર માન્યા વિના કોઈ પણ સ્થિતિમાં આગળ વધવું જાેઈએ.પહેલાના સમયમાં દુલ્હનને એક ખૂણામાં બેસાડવામાં આવતી અને જાનૈયાઓ નાચતા. પરંતુ આજની યુવાપેઢી પોતાના લગ્નને આકર્ષણનું કેન્દ્ર બનાવવા માટે અવનવા તુક્કાઓ કરતા હોય છે. દુલ્હન પોતાના જ લગ્નમાં ગીતો પર ઝુમતી જાેવા મળે છે પરંતુ પોતાના જ લગ્નમાં ડ્રમ વગાડવું એવા કિસ્સાઓ તો ભાગ્યે જ બનતા હોય છે. આવો જ એક કિસ્સો રાજકોટના ધોરાજીમાં બન્યો હતો. જેમાં દુલ્હન ગાર્વિન પટેલને પોતાના જ લગ્નમાં તાન ચડ્યું હતું અને ડ્રમ વગાડવા લાગી હતી. આથી વરરાજા સહિત મહેમાનોમાં અચરજ જાેવા મળ્યું હતું.
Recent Comments