અમદાવાદમાં કોરોનાએ વેગ પકડ્યોઃ ૯૦ મકાન માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર
રસીકરણ મહાઅભિયાન વચ્ચે ભારતના કેટલાક રાજ્યોમાં ફરી કેસ વધી રહ્યા છે. કોરોનાને નિયંત્રણમાં રાખવામાં શરૂઆતમાં મળેલી સફળતા શિયાળામાં બીજી લહેરમાં ધોવાઈ ગઈ હતી. ફરી એક વખત સમગ્ર વિશ્વમાં કોરોના કેસમાં વધારો થયો હતો. પરંતુ હવે રસીકરણની સાથે કોરોના પર કાબુ મેળવવામાં પણ સફળતા મળી રહી છે. જાે કે ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી વધતા કોરોનાના કેસે ફરી ચિંતા વધારી છે. જેમાં ગુજરાત પણ બાકાત નથી.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૪૬૦ નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં ૧૦૧, વડોદરામાં ૧૦૯, સુરતમાં ૭૪ અને રાજકોટમાં ૬૭ નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદીઓની ચિંતા વધી ગઈ છે. અમદાવાદમાં કોરોનાનો ત્રીજાે વેવ જાેવા મળ્યો છે.
અમદાવાદમાં ફરી એકવાર કોરોના કેસોમાં વધારો થયો છે. ગત ૨૪ કલાકમાં અમદાવાદમાં ૧૦૧ કેસ નોંધાયા છે. આ સાથે જ કન્ટેઈનમેન્ટ ઝોનમાં પણ વધારો થઈ રહ્યો છે. ગઈકાલે વધુ ૫ સોસાયટીઓના કેટલાક મકાનો સહિત શહેરમાં કુલ ૨૧ સોસાયટીઓ માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકાઈ છે. કોરોનાના કેસ વધતાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સતત વધારો થઈ રહ્યો છે. એએમસીએ માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી છે. હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ તેમજ સ્ક્રીનીંગની કામગીરી શરૂ કરાઈ છે. શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ એકઠા કરવાનું ફરી એકવાર શરૂ કરાયું છે.
ચૂંટણી અગાઉ અમદાવાદમાં પ્રતિદિન ૫૦ કેસો કોરોનાના નોંધાતા હતા, જેના બદલે ચૂંટણીના પરિણામો બાદ પ્રતિદિન કોરોનાના કેસો વધીને ૧૦૦ સુધી જઈ પહોંચ્યા છે. એક સમયે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા ૧૭૦૦ ની આસપાસ હતી, જે આજે ૨૨૦૦ તરફ વધી છે. અમદાવાદમાં વધતા કોરોના કેસોની સંખ્યા અને સંભાવનાઓને જાેતા સિવિલ હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓ માટે બેડની સંખ્યા ૨૦૦ થી વધારીને કુલ ૫૦૦ કરવામાં આવી છે.
Recent Comments