સુરતમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્લેયર પાણી પી થોડું ચાલ્યો બાદમાં ઘૂંટણિયે બેસતાં જ ઢળી પડ્યો
કહેવાય છે મોત આવવાનો કોઈ સમય નથી હોતો. આવી જ એક ઘટના સુરત શહેરના રાંદેર વિસ્તારમાં બની હતી, જ્યાં ક્રિકેટ રમતી વખતે ૫૧ વર્ષીય આધેડ પાણી પીધા બાદ થોડું ચાલીને દુખાવો થતાં ઘૂંટણિયે બેઠા હતા. એ બાદ બે સેકન્ડમાં જ તેઓ ઢળી પડતાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મકસુદભાઈનું મોત હાર્ટ-એટેક કારણે થયું હોવાની આશંકા ડોક્ટરો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
સુરતના રાંદેરમાં સુલતાનિયા જિમખાના ગ્રાઉન્ડ પર પટની સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચાલુ મેચ દરમિયાન નાનકડો બ્રેક આવતાં તમામ ખેલાડીઓ ગ્રાઉન્ડમાં ઊભા રહીને વાતચીત કરી રહ્યા હતા. આ મેચમાં ૫૧ વર્ષીય મકસુદ અહમદભાઈ બૂટવાલા (મોન્ટુ સર) પણ રમી રહ્યા હતા. તેઓ પણ બ્રેકમાં સામાન્ય ખેલાડીની જેમ ઊભા રહીને અન્ય ખેલાડી સાથે વાત કરી રહ્યા હતા. એ બાદ એક બાળક તેમના માટે પાણી લઈને આવતાં તેમણે ઘૂંટણિયે બેસીને પાણી પીધું હતું. એ બાદ ઊભા થઈને બે-ચાર ડગલાં ચાલ્યા બાદ એકાએક ઘૂંટણિયે બેસી ગયા હતા અને બે સેકન્ડ બાદ ઢળી પડ્યા હતા.
ચાલુ ક્રિકેટ દરમિયાન મકસુદભાઈ એકાએક ઢળી પડતાં મેદાનમાં હાજર ખેલાડીઓએ તેમને ઉઠાડવાનો પ્રયાસ કર્યો, પણ તેઓ ઊઠ્યા જ નહિ. એ બાદ મેચ જાેવા આવેલા લોકો પણ ગ્રાઉન્ડમાં દોડી આવ્યા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ મકસુદભાઈને તપાસી મૃત જાહેર કર્યા હતા.
ચાલુ મેચમાં ઢળી પડવાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જાેઈ શકાય છે કે પહેલા મકસુદભાઈ પાણી મગાવીને બ્રેક દરમિયાન પાણી પીતા નજરે ચડે છે. પાણી પીધા બાદ ચાર પગલાં આગળ ચાલીને ?જાય છે અને ગ્રાઉન્ડ પર બેસી જાય છે અને એકાએક ઢળી પડે છે.
મકસુદભાઈ મોન્ટુ સરના નામથી ઓળખાતા હતા અને પોતાના ખાનગી ટ્યૂશન ક્લાસીસ ચલાવતા હતા. આ સાથે જ સમાજસેવા ક્ષેત્રે પણ લોકોની ઘણી મદદ કરતા હતા. તેમના અચાનક મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે. તેમનું મોત હાર્ટ-એટેકથી થયું હોવાની આશંકા સેવાઇ રહી છે.
Recent Comments