૨૬/૧૧ આરોપી રાણાના પ્રત્યર્પણની સુનાવણી ૧૨ ફેબુ્રઆરીએ કરાશે
મુંબઇ ઉપર ૨૦૦૮માં પાકિસ્તાની ત્રાસવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાના આરોપી અને ભારતે જેને ભાગેડુ જાહેર કર્યો છે એ તહવ્વુર રાણાના પ્રત્યર્પણની સુનાવણી અમેરિકાની અદાલતમાં આવતા વર્ષે ૧૨ ફેબુ્રઆરીએ કરવામાં આવશે.
મુંબઇ ઉપર ૨૬મી નવેમ્બર ૨૦૦૮ના દિવસે થયેલા ત્રાસવાદી હુમલામાં સંડોવણી બદલ ભારતે રાણાના પ્રત્યર્પણ માટે કરેલી અરજી બાદ અમેરિકાએ ૧૦મી જૂને રાણાની લોસ એન્જલસ ખાતેથી ફરીથી ધરપકડ કરી હતી. આ કેસના અન્ય આરોપી ડેવિડ કોલમેન હેડલીનો રાણા બાળપણનો મિત્ર છે. અગાઉ હેડલીની ચિકાગોના ઑહારા હવાઇમથકેથી ધરપકડ બાદ તુરંત જ પોલીસે ઑક્ટોબર ૨૦૦૯માં રાણાની ધરપકડ કરી હતી.
તાજેતરની સુનાવણી વખતે અમેરિકાની લોસ એન્જલસની જિલ્લા કોર્ટના જજ જેકલીન ચેલોનિયને પોતાના ૧૩મી નવેમ્બરના આદેશમાં જણાવ્યું હતું કે હવે આ કેસની સુનાવણી ૧૨મી ફેબ્રુઆરી ૨૦૨૧ના દિવસે સવારે ૧૦ વાગ્યે શરૂ કરવામાં આવશે.
પ્રત્યર્પણની અરજીનો વિરોધ કરવા માટે રાણા પાસે ૨૧મી ડિસેમ્બર સુધીનો સમય છે. ત્યાર બાદ અમેરિકાની સરકાર પાસે રાણાની અરજીનો જવાબ આપવા માટે એક મહિનાનો સમય રહેશે.
ભારતમાં રાણા પર યુદ્ધ માટે ષડ્યંત્ર રચવાનો, ત્રાસવાદી કૃત્ય કરવાનો, હત્યાનો અને એવા અન્ય ગંભીર આરોપ મુકાયા છે અને અમેરિકાની સરકારે આ સંબંધમાં રાણાના પ્રત્યર્પણની ભારત સરકારની અરજીને ૨૮મી સપ્ટેમ્બરે ટેકો જાહેર કરતો ઠરાવ પસાર કર્યો હતો.
Recent Comments