ખેડૂતને ત્રણ લાખનું નુકસાન થયું જસદણના ખેડૂતના ખેતરમાં જીરાના પાકને અજાણ્યા શખ્સે આગ ચાંપી દેતા ચકચાર મચી

જસદણ તાલુકાના વીરનગરમાં રહેતા સંજયભાઇ જયંતીભાઇ ખુંટની વાડીમાં ઉપાડેલા જીરૂના પાકમાં અજાણ્યા શખ્સોએ દીવાસળી ચાંપી દીધી હતી. આથી જીરાનો પાક બળીને ખાખ થતા ખેડૂતને સાડા ત્રણ લાખની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. એક તરફ ચોમાસું પાક નિષ્ફળ જતા ખેડૂતે જીરાના પાકથી આર્થિક ફાયદો થશે તેવી આશા હતી. પરંતુ તૈયાર પાકને અજાણ્યા શખ્સોએ સળગાવી નાખતા ખેડૂતની પડ્યા પર પાટા સમાન સ્થિતિ જાેવા મળી રહી છે.
આ અંગે ખેડૂત સંજયભાઈએ જણાવ્યું હતું કે, અમે ગઇકાલે સવારે દસ વાગ્યે વાડીએ હતા અને જીરાના પાકનો ઢગલો કરીને રાખ્યો હતો. આજે સવારે ટ્રેક્ટર દ્વારા કાઢવાની કામગીરી કરવાના હતા. પરંતુ અમને વહેલી સવારે પાડોશીએ જાણ કરી કે, તમારું જીરુ સળગે છે. આથી અમે વાડીએ દોડી આવ્યા હતા. પરંતુ અમારા હાથમાં માત્ર રાખ આવી હતી. અમારે અંદાજે ચાર લાખની નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. અમારા કોઈ દુશ્મન પણ નથી. અમારી વાડીની આજુબાજુમાં પણ જીરાનો પાક આવેલો છે. પરંતુ અમારો જ પાક સળગાવી દેવામાં આવ્યો હોવાથી અમારી સીઝનની મહેનત એળે ગઇ છે.
સંજયભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, આ અંગે મેં આટકોટ પોલીસને જાણ કરી છે અને પોલીસે તપાસ કરવા આવી રહી છે.
Recent Comments