fbpx
ભાવનગર

કોરોનાકાળમાં પણ શાળાના બાળકોનું શિક્ષણ નિરંતર ચાલું રહે તે માટે પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી શાળાના શિક્ષક દ્વારા ‘શેરી-ઓટલે શાળા’ નો નવતર પ્રયોગ

કોરોના મહામારીને કારણે સતત ૨ વર્ષથી શાળાઓ બંધ છે અને તેના લીધે શાળાકીય શિક્ષણ પણ બંધ છે. તેથી ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ ઓનલાઇન શિક્ષણ મેળવવાં માટે ઇન્ટરનેટ જોઇએ, એન્ડ્રોઇડ ફોન જોઇએ. આ બધી સગવડો શહેરોમાં કે સંપન્ન લોકો પાસે ઉપલબ્ધ છે. પરંતુ ગ્રામ્ય સ્તરે અને આર્થિક રીતે પછાત વર્ગના લોકો બધાં લોકો માટે આ સેવાઓ હજુ સુલભ નથી.
આવા સમયે તેમની વ્હારે ભાવનગરની પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી શાળામાં શિક્ષક તરીકે કાર્યરત શ્રી નાથાભાઇ ચાવડા આવ્યાં છે. તેઓએ છેલ્લાં બે વર્ષથી તેમની શાળાનું શિક્ષણ ઉપરોક્ત કારણોને લીધે અટકવાં દીધું નથી અને બાળકોના શિક્ષણ યજ્ઞને ‘શેરી-ઓટલે શાળા’ ના નવતર પ્રયોગ દ્વારા ચાલું રાખ્યો છે.


અત્યારે જૂન મહિનો ચાલે છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે આ મહિનામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરીને શિક્ષણ યજ્ઞને આગળ ધપાવવામાં આવે છે. પરંતુ વર્તમાન કોરોનાની પરિસ્થિતિને કારણે છેલ્લાં બે વર્ષથી ફિઝિકલ શિક્ષણ બંધ છે. તેથી સરકાર દ્વારા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. આ માસ પ્રમોશન મેળવેલાં વિદ્યાર્થીઓ પાછળના ધોરણના અભ્યાસથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા બ્રીજ કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે અને તે દ્વારા વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવશે.
પરંતુ ભાવનગરના પાલિતાણામાં આવેલ ઝવેરચંદ મેઘાણી શાળામાં શિક્ષક તરીકે કાર્યરત શ્રી નાથાભાઇ ચાવડા માટે તો બે વર્ષથી આ માટેનો રોડમેપ તૈયાર છે….એટલે કે અગાઉથી બ્રીજ કોર્ષ તૈયાર છે.


રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં બે વર્ષથી શાળાકીય શિક્ષણ ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ તેમની શાળામાં અભ્યાસ કરતાં બાળકોના વાલીઓ પાસે કાં તો તેના માટે જરૂરી એન્ડ્રોઇડ ફોન નથી અથવા તો છે તો ઘરના વડીલ પાસે જ એન્ડ્રોઇડ ફોન છે. જે તેઓ તેઓના કામકાજના સ્થળે લઇ જાય છે. તેથી આવા બાળકો ઓનલાઇન શિક્ષણનો લાભ લઇ શકતાં નથી. વળી, તેમની શાળામાં પાલિતાણાના પછાત વિસ્તારના અને મોટાભાગે લઘુમતી સમાજના બાળકો અભ્યાસ કરે છે.
આ સંજોગોમાં શિક્ષક નાથાભાઇએ એક નૂતન અભિગમ અપનાવ્યો છે. જે અંતર્ગત તેઓ જે તે બાળક જે જગ્યાએ રહે છે. તેની શેરીમાં જઇને ‘શેરી- ઓટલે શાળા’ નો અભિગમ અપનાવી ગ્રામ્ય વિસ્તારની શાળાના બાળકોને તેમના વિસ્તારની શેરી કે ઓટલા પર જઇને શિક્ષણ આપી રહ્યાં છે અને તે દ્વારા તેઓએ ‘શાળા બંધ છે, શિક્ષણ નહીં’નો ભાવ ચરિતાર્થ કર્યો છે.

આ માટે શિક્ષકશ્રી નાથાભાઇ ચાવડા બાળકોની શેરીમાં જઈ તેમનાં ઓટલે જ સોમવારથી શનિવાર સુધી અલગ- અલગ વિષયોનું શિક્ષણ મુલાકાત લઇ દરરોજ એક કલાક સુધી બાળકોને શિક્ષણ આપી શિક્ષણનો યજ્ઞ પ્રજ્વલિત રાખ્યો છે.

શિક્ષકશ્રી નાથાભાઇ રોમે-રોમ વિદ્યાનો જીવ છે એટલે સતત શિક્ષણની ચિંતા કરી બાળકોને કેવી રીતે વધુને વધુ વિદ્યાવાન અને પ્રજ્ઞાવાન બનાવી શકાય તે માટે પ્રયત્નશીલ રહે છે. આ માટે તેમણે વિવિધ વિષયોને આવરી લઇને નૂતન પ્રોજેક્ટ બનાવી સફળતાપૂર્વક અમલમાં મૂક્યાં છે જેને લઇને તેમને વિવિધ પ્રમાણપત્ર પણ મળ્યાં છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પટેલ અને વર્તમાન મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તરફથી આ નૂતન શિક્ષણ કાર્ય માટે તેમને પ્રશસ્તિપત્ર મળી ચૂક્યાં છે.


શ્રી નાથાભાઇ ચાવડાએ છેલ્લા ૧૫ વર્ષથી પોતાનું મેડિકલ એલાઉન્સ શાળાના વિકાસ કાર્યો માટે ફાળવ્યું છે. આ ઉપરાંત શાળામાં રૂા. ૫૫ હજારના ખર્ચે શાળામાં પ્રજ્ઞા નામનો ખંડ બનાવ્યો છે. આ ખંડ માટે કોથળાઓ વિદ્યાર્થીઓ લાવ્યાં હતાં. આ રીતે વિદ્યાર્થીઓને રચનાત્મક કાર્યોમાં સાંકળીને તેમની ભીતરી શક્તિઓને ખીલવવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત બાળકો તેમાં રચનાત્મક કાર્યો કરે તે માટે તેઓ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે તે રીતે તેઓ રોમે-રોમ વિદ્યાના જીવ છે.
તેઓ માને છે કે, કોઇપણ રીતે શિક્ષણનું કાર્ય અટકવું ન જોઇએ. આ માટે તેઓએ ગયાં વર્ષે મદ્વેસામાં ટી.વી લગાવીને શિક્ષણ વિભાગ દ્વારા પ્રસારિત થતાં કાર્યક્રમને બતાવીને શાળાકીય શિક્ષણ ચાલું રખાવ્યું હતું.
આ માટે તેઓ સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય તે રીતે વિદ્યાર્થીઓને બેસાડતાં હતાં. આ ઉપરાંત માસ્ક, સેનેટાઇઝર અને થર્મલ ગન લઇને તેઓ વિદ્યાર્થીઓનું તાપમાન માપીને કોરોના ન ફેલાય તેની પણ કાળજી લેતાં હતાં.
છેલ્લાં પ વર્ષથી તેઓ ઇનોવેશનની સ્પર્ધાઓમાં ભાગ લઇ હંમેશા કંઇક નવું કરવાની કોશિષ કરે છે. આ રીતે તેઓ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓની સમસ્યાઓ કંઇ રીતે દૂર થાય તે માટેનું નવું- નવું સંશોધન કરતાં રહે છે.
તેઓએ ‘પાકું કરો, ઇનામ જીતો’ ના નૂતન અભિગમ દ્વારા વિદ્યાર્થી જે કંઈ કવિતા, પાઠ તૈયાર કરીને આવે તે એક ચીઠ્ઠી ઉપાડે અને તેમાં બિસ્કીટ, ચોકલેટ અને છેલ્લાં રૂા. ૧૦૦ ની નોટ પણ ઇનામ તરીકે રાખી હતી. તેથી બાળકો ઇનામની લાલચે કંઇક શીખવાં અને પાકું કરવાં પ્રેરાય.


આવી જ રીતે તેમણે મારી ‘શાળાની સફરે’ ના નૂતન અભિગમ દ્વારા શાળાના બાળકો રિશેષ દરમિયાન શાળાની મુલાકાત લે અને શાળામાં ચાલું હોય તેવાં નળ બંધ કરે, ચંપલ ઉંધા પડ્યાં હોય તો તેને સીધા કરે અને આ અંગેની વાત બીજા દિવસે પ્રાર્થના સભામાં કરે કે જેથી અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળે.


તેમણે આ ઉપરાંત ‘વિદ્યા ક્લિનિક’ ના નૂતન અભિગમની શરૂઆત કરી હતી. જેમાં વાલીઓને દર મહિનાની ૧ લી તારીખે બોલાવીને તેમના પાલ્યએ કેટલો વિકાસ કર્યો તે રૂબરૂ ચકાસી શકે અને તેના દ્વારા તેમાં સુધારો કરી શકે.
આ ઉપરાંત તેઓએ નવરાત્રીનું વેકેશન હતું ત્યારે ‘બારખડી માતા’, ‘એકડા દાદા’ વગેરેની સ્થાપના કરી યજ્ઞ કર્યો હતો અને તે રીતે બાળકોને રજાના દિવસોમાં પણ શિક્ષણ સાથે સાંકળી રાખ્યાં હતાં.


આ સિવાય તેઓ સામાજિક સેવાઓ કરવામાં પણ અગ્રેસર છે. અત્યારે વરસાદની ઋતુ ચાલું છે ત્યારે તેઓ પાલિતાણામાં સમાજના શ્રેષ્ડીઓ સાથે ૧ લાખ વૃક્ષોના વાવેતર માટે પણ સક્રિય છે. તેમણે ‘નીકોટીન ફ્રી સમાજ’ની રચના માટે ભાવનગર શહેરમાં રેલી કાઢી હતી. આ સિવાય બીડી પીતા લોકોને અટકાવવાં માટે ‘આયુર્વેદિક બીડી’ બનાવી હતી.
શ્રી નાથાભાઇ આ સિવાય છેલ્લાં ૫ વર્ષથી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ પણ કરે છે. કોરોનાકાળમાં કે જ્યારે ઉકાળાની ખાસ જરૂરિયાત ઉભી થઇ હતી. ત્યારે પણ તેમણે તેમની આ લોક સેવા ચાલું રાખી હતી.


આ ઉપરાંત તેઓએ એક વર્ષ સુધી પાલીતાણાની જેલમાં જઇને જેલના કેદીઓને ધ્યાન, યોગ, પ્રાણાયામ કરાવી મનની શાંતિ લાવવાં ઉપરાંત પ્રેરણાત્મક ગાથા દ્વારા કેદીઓના જીવન સુધારવાની કામગીરી પણ કરેલી છે. આજે જ્યારે જેલમાંથી છૂટેલ કોઇ કેદી બહાર મળે તો તે પગે લાગીને કહે છે કે, તમે અમારી જિંદગીમાં પરિવર્તન લાવ્યાં એમ કહે ત્યારે જીવનની સાચી સાર્થકતા સમજાય છે તેમ તેઓ વધુમાં ઉમેરે છે.


આમ, રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ જે રીતે ઉત્તમ લોકસાહિત્યનું સંપાદન કરીને સમાજ ઘડતર કર્યું હતું તેનો સંસ્કાર વારસો જાળવીને તેમના નામની શાળામાં શિક્ષક તરીકે કાર્યરત એવાં શ્રી નાથાભાઇ ચાવડાએ શિક્ષણ સાથે સમાજ શિક્ષણનું પણ અદકેરું કાર્ય કર્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/